Western Times News

Gujarati News

આવકવેરાના નવા નિયમોના મુસદ્દા ઘડાયા- જાણો કયા છે રોકડના નવા નિયમો?

રૂ.૧૦ લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા કે ઉપાડવા માટે પાનકાર્ડ ફરજિયાત રહેશે

(એજન્સી)નવી દિલ્હી, આવકવેરાના ડ્રાફ્ટ નિયમોમાં બેંકોમાં રોકડ જમા/ઉપાડ, મોટર વાહનો અને મિલકતની ખરીદી, તથા હોટલના બિલની ચુકવણી માટે પાન કાર્ડ દર્શાવવા માટેની વ્યવહાર મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ નવા નિયમો ૧ એપ્રિલથી અમલમાં આવશે.

એક નાણાકીય વર્ષમાં એક વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં કુલ રૂ. ૧૦ લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે પાન ફરજિયાત રહેશે. હાલમાં, બેંકમાં એક દિવસમાં ૫૦,૦૦૦થી વધુની રોકડ જમા કરવા માટે પાન જરૂરી છે.આ ડ્રાફ્ટ નિયમો ઇનકમ ટેક્સ એક્ટ,ને લાગુ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, જે ૧૯૬૨ના જૂના નિયમોનું સ્થાન લેશે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં તેને નોટિફાય કરવામાં આવશે.

ડ્રાફ્ટમાં એમ્પ્લોયર્સ (નિયોક્તા) દ્વારા આપવામાં આવતી સવલતોના મૂલ્યમાં વધારો કરવાની અને ક્રિપ્ટો એક્સચેન્જો માટે ટેક્સ વિભાગ સાથે માહિતી શેર કરવાનું ફરજિયાત બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને ઇલેક્ટ્રોનિક પેમેન્ટના માન્ય મોડ તરીકે સામેલ કરવામાં આવી છે. હાઉસ રેન્ટ એલાઉન્સના દાવા માટે ડ્રાફ્ટ નિયમોમાં કેટેગરી-૧ મેટ્રો શહેરોની યાદી વિસ્તૃત કરવામાં આવી છે,

જેમાં હવે બેંગલુરુ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. આ યાદીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ પહેલેથી જ સામેલ છે. મોટર સાયકલ સહિતના વાહનોની ખરીદીમાં જો કિંમત રૂ. ૫ લાખથી વધુ હોય તો જ પાન આપવું પડશે.અત્યાર સુધી ટુ-વ્હીલર માટે પાન જરૂરી નહોતું, જ્યારે અન્ય વાહનો માટે કિંમત ગમે તે હોય પાન ફરજિયાત હતું.

જો હોટલ/રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અથવા ઇવેન્ટ મેનેજમેન્ટનું બિલ ૧ લાખથી વધુ હશે તો જ પાન આપવું પડશે. હાલમાં આ મર્યાદા રૂ. ૫૦,૦૦૦ છે. ઇન્શ્યોરન્સ કંપની સાથે ખાતા આધારિત સંબંધ શરૂ કરવા માટે પાન ફરજિયાત બનશે. હાઉસ રેન્ટ એલાઉન્સના હેતુ માટે કેટેગરી-૧ મેટ્રો શહેરોની યાદીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈની સાથે હવે અમદાવાદ, બેંગલુરુ, પુણે અને હૈદરાબાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.