200 સ્કેમ સેન્ટર્સમાં કામ કરી રહેલા ૧૧ હજાર વિદેશીઓને તેમના દેશમાં મોકલાયાઃ ૧૭૩ની ધરપકડ
કંબોડિયામાં ૨૦૦ સાઈબર સ્કેમ સેન્ટર્સ પર કાર્યવાહી -ભારત સહિત અનેક દેશોના નાગરિકોને નિશાન બનાવાતા હતા
(એજન્સી)નવી દિલ્હી, કંબોડિયામાં હજારો આંતરરાષ્ટ્રીય સ્કેમ સેન્ટર્સ ધમધમે છે. ડિજિટલ અરેસ્ટથી માંડીને કેટલાય પ્રકારે ઓનલાઈન આર્થિક છેતરપિંડી આ સેન્ટર્સમાંથી કરવામાં આવે છે. એમાં સેંકડો વિદેશી નાગરિકો પણ નોકરી કરે છે. કંબોડિયાની પોલીસે આવા સેન્ટર્સ સામે કાર્યવાહી શરૂ કરી છે.
Cambodia has shut down nearly 200 scam centers as part of a major crackdown on transnational fraud involving human trafficking and forced labor
તેના પરિણામે ૧૯૦ સેન્ટર્સ સીલ કરી દેવાયા હતા અને ૧૭૩ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ભારતના નાગરિકો સાથે છેતરપિંડી કરવા તો આ સેન્ટર્સમાં ખાસ ડિજિટલ અરેસ્ટ સેન્ટરની ગોઠવણ કરવામાં આવી હતી.અમેરિકા અને ચીને થોડા સમય પહેલાં કંબોડિયામાં સાઈબર ફ્રોડના માસ્ટર માઈન્ડ ચીની મૂળના આરોપી સામે આકરી કાર્યવાહી કરી હતી. કંબોડિયાની સરકાર પર આવા સ્કેમ સેન્ટર્સ સામે પગલાં ભરવા દબાણ કર્યું હતું.
તેના પરિણામે કંબોડિયામાં ડિજિટલ ળોડ ચલાવતા સેન્ટર્સ પર કાર્યવાહી શરૂ થઈ હતી. એવા જ એક ઓપરેશનના ભાગરૂપે કંબોડિયાની પોલીસે વિએટનામ સરહદ નજીક ધમધમતા સેન્ટર્સ પર કાર્યવાહી કરી હતી. ઓનલાઈન ફ્રોડ સામે કાર્યવાહી કરતી સરકારી એજન્સી સાથે મળીને પોલીસે ૧૯૦ ડિજિટલ સ્કેમ સેન્ટરને ઝડપી લીધા હતા અને તેને સીલ કરી દેવાયા હતા. એમાં ૧૭૩ આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
જોકે, મોટાભાગના સેન્ટર્સમાંથી આરોપીઓ અને કર્મચારીઓ પોલીસના દરોડા પહેલાં નાસી ગયા હતા. કંપોટમાં આવેલા માય કેસિનો નામથી ચાલતા પરિસરમાં મોટા મોટા ઓરડાઓમાં સાઈબર છેતરપિંડીનું કૌભાંડ ચાલતું હતું. થાઈલેન્ડના લોકોને કેવી રીતે છેતરવા તેની સૂચના લખવામાં આવી હતી. વિશાળ કોર્પાેરેટ ઓફિસ હોય તેમ સંખ્યાબંધ દસ્તાવેજોનો ખડકલો થયો હતો અને હરોળબદ્ધ કમ્પ્યુટર્સ ગોઠવાયા હતા.
આ સેન્ટર્સમાંથી એક સેન્ટર ખાસ ભારતીયોને નિશાન બનાવવામાં આવ્યું હતું. ભારતીય એજન્સીનો ભ્રમ પેદા થાય તે માટે એ સ્કેમ સેન્ટરમાં ગાંધીજી અને ડૉ. આંબેડકરની તસવીર લગાવવામાં આવી હતી અને ભારતનું પોલીસ સ્ટેશન હોય એવો એનો દેખાવ બનાવાયો હતો. કંબોડિયન સરકારની કાર્યવાહી પછી હજારો લોકો ફરાર થઈ ગયા હતા.
આ સેન્ટરોમાં કેટલા મોટાપાયે ડિજિટલ ફ્રોડને અંજામ આપવામાં આવતો હશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમાં ૧૧ હજારથી વધુ વિદેશી નાગરિકો નોકરી કરતા હતા. આ વિદેશી નાગરિકોને તેમના દેશમાં મોકલી દેવામાં આવ્યા હતા.
પોલીસે આવા સ્કેમર્સ સામે લાચારી વ્યક્ત કરતા કહ્યું હતું કે કંપોટ પ્રાંતમાં જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે અમારી પાસે ૧૦૦૦ પોલીસ કર્મચારીઓ અને ૩૦૦ સૈન્યના કર્મચારીઓ હતા, તે છતાં અમે પહોંચી વળ્યા નહીં. હજારો લોકો નાસી ગયા. કારણ કે તે વખતે સેન્ટર્સમાં ૭૦૦૦થી વધુ લોકો હતા.
