Western Times News

Gujarati News

વિદેશી મહેમાનોની હાજરીમાં ‘શર્ટલેસ’ થઈને સૂત્રોચ્ચાર કર્યા યુવા કોંગ્રેસના કાર્યકરોએ

નવી દિલ્હી, રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય AI ઇમ્પેક્ટ સમિટમાં આજે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે ભારતીય યુવા કોંગ્રેસ (IYC) ના કાર્યકરોએ અચાનક વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.

વિશ્વભરના ટેકનોલોજી નિષ્ણાતો અને વિદેશી મહેમાનોની હાજરીમાં કાર્યકરોએ ‘શર્ટલેસ’ થઈને સૂત્રોચ્ચાર કરતા કાર્યક્રમની ગરિમા પર સવાલ ઉઠ્યા છે. સુરક્ષા કોર્ડન તોડી હોલ-૫ માં પ્રવેશ્યા પ્રદર્શનકારીઓ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે સમિટની કાર્યવાહી ચાલતી હતી ત્યારે અચાનક ૧૦ જેટલા યુવાનો હોલ નંબર ૫ માં ઘૂસી ગયા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફોટાવાળા સફેદ ટી-શર્ટ પ્રદર્શિત કર્યા હતા.

ભારત મંડપમ ખાતે શુક્રવારે AI સમિટ દરમિયાન થયેલા ‘શર્ટલેસ’ (શરીરના ઉપરના ભાગે કપડાં વગરના) વિરોધ પ્રદર્શનને ભાજપના સાંસદ સંબિત પાત્રાએ એક સુવ્યવસ્થિત કાવતરું ગણાવ્યું છે. પાત્રાએ આક્ષેપ કર્યો હતો કે આ કાવતરું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવાસ્થાને પ્રિયંકા ગાંધીની સક્રિય સલાહ સાથે ઘડવામાં આવ્યું હતું.

ભાજપ મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પાત્રાએ ભારત મંડપમ ખાતેના આ પ્રદર્શનને “ટોપલેસ, બ્રેઈનલેસ (બુદ્ધિહીન) અને શેમલેસ (શરમનાક)” ગણાવીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દેશને શર્મસાર કરવા અને તેની છબી ખરડવા બદલ કોંગ્રેસ પક્ષની ટીકા કરી હતી અને આ શરમનાક કૃત્ય માટે પક્ષના ટોચના નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, AI સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલું આ પ્રદર્શન કોઈ છૂટીછવાઈ કે આકસ્મિક ઘટના નહોતી, પરંતુ તે ખૂબ જ આયોજનબદ્ધ અને પૂર્વવિચારિત હતી, કારણ કે તેમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસ (IYC) ના ટોચના હોદ્દેદારો સામેલ હતા.

પ્રદર્શનકારીઓએ ભારત-યુએસ ટ્રેડ ડીલ અને ‘એપસ્ટેઇન ફાઇલ્સ’ જેવા મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ તુરંત હરકતમાં આવીને આ તમામની અટકાયત કરી તિલક માર્ગ પોલીસ સ્ટેશન ખસેડ્યા હતા.   “આ વિરોધ માટેનું યોગ્ય સ્થળ નથી”: પ્રતિનિધિઓમાં રોષ સમિટમાં હાજર રહેલા મુલાકાતીઓએ આ ઘટનાની આકરી ટીકા કરી છે.

પ્રત્યક્ષદર્શી સુમિત પટણીએ જણાવ્યું કે, “જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની AI ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યું હોય, ત્યારે આવા હંગામાથી દેશની નકારાત્મક છબી ઊભી થાય છે. આ પ્લેટફોર્મની ગરિમા જળવાવી જોઈતી હતી.” ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ: રાજકીય યુદ્ધ છેડાયું આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર રાજકીય નિવેદનબાજી તેજ થઈ છે: •

અમિત માલવિયા (BJP): તેમણે આ ઘટનાને “રાષ્ટ્રીય શરમ” ગણાવી અને કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ભારતને વિશ્વ મંચ પર અપમાનિત કરી રહી છે. •    પીયૂષ ગોયલ: કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસની હતાશા હવે દેશના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. •

ગજેન્દ્ર સિંહ શેખાવત: તેમણે પ્રદર્શનકારીઓના વર્તનને અભદ્ર ગણાવીને કોંગ્રેસ નેતૃત્વ પર પ્રહારો કર્યા. બીજી તરફ, યુવા કોંગ્રેસે બચાવ કરતા કહ્યું કે તેમનો હેતુ બેરોજગારી, મોંઘવારી અને દેશના હિતો સાથે થઈ રહેલા કથિત સમાધાનના મુદ્દે સરકારને જગાડવાનો હતો.

સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરાઈ આ હાઇ-પ્રોફાઇલ ઘટના બાદ ભારત મંડપમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસ હવે અટકાયત કરાયેલા લોકો સામે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જોકે, આ ટૂંકા વિક્ષેપ બાદ સમિટની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.