Western Times News

Gujarati News

LPG જરૂરિયાતોના લગભગ 60 ટકા પુરવઠા માટે ગલ્ફ દેશો પર ભારત નિર્ભર

ભારત સરકારે અમેરિકા, નોર્વે, કેનેડા, રશિયા જેવા દેશોમાંથી એલપીજી આયાત વધારી

નવી દિલ્હી, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે ખાડી પ્રદેશમાં અસ્થિરતા સર્જાઈ છે. તેના કારણે કાચા તેલ અને કુદરતી ગેસના પરિવહન પર અસર પડી છે, જેના પરિણામે ભારતમાં એલપીજી ગેસના પુરવઠા અંગે ચિંતા ઉભી થઈ હતી. જોકે હવે સરકારે આ સમસ્યાને ઉકેલવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા હોવાનું જણાવ્યું છે.

અહેવાલો મુજબ, કેન્દ્ર સરકારે હવે અમેરિકા, નોર્વે, કેનેડા અને રશિયા જેવા નવા દેશોમાંથી વધારાના એલપીજી શિપમેન્ટ મંગાવવાનું શરૂ કર્યું છે. સાથે જ જ્યાં પુરવઠો ઉપલબ્ધ છે તેવા ખાડી દેશોમાંથી પણ એલપીજીની ખરીદી ચાલુ રાખવામાં આવી રહી છે. સરકારના આ પગલાંને કારણે દેશમાં એલપીજી સિલિન્ડર અંગે ઉભી થયેલી અછતની ચિંતા ટૂંક સમયમાં દૂર થવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશના ઘણા વિસ્તારોમાં એલપીજી સિલિન્ડરની અછત અંગે ચર્ચા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ન્ઁય્ આયાતકાર તરીકે ભારત હાલમાં મર્યાદિત પુરવઠાના પડકારનો સામનો કરી રહ્યું છે. તેમ છતાં, સરકાર દ્વારા પુરવઠો જાળવી રાખવા માટે વિવિધ સ્ત્રોતોમાંથી આયાત વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સલાહ આપી છે કે હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં એલપીજીનો ઉપયોગ ઓછો કરવા માટે બાયોમાસ, કેરોસીન અને કોલસા જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગને મંજૂરી આપવામાં આવે. આ પગલાંનો મુખ્ય હેતુ ઘરેલુ ગ્રાહકોને ગેસનો પૂરતો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

હરદીપ સિંહ પુરીએ સંસદમાં જણાવ્યું હતું કે ભારત અગાઉ તેની એલપીજી જરૂરિયાતોના લગભગ ૬૦ ટકા પુરવઠા માટે ગલ્ફ દેશો પર નિર્ભર હતું. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આયાતના સ્ત્રોતોનો વિસ્તાર કર્યો છે. સાથે જ કટોકટીની જોગવાઈઓનો ઉપયોગ કરીને રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવા અને ઉદ્યોગોને વેચાણ મર્યાદિત કરવાની સૂચના આપવામાં આવી છે.

સરકારના આ પગલાંથી દેશના લગભગ ૩૩૩ મિલિયન ઘરેલુ ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા અનુસાર ઘરેલુ એલપીજી પુરવઠો હાલ પહેલાની જેમ ચાલુ છે, જોકે અછતની અફવાઓને કારણે ઘણા ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર થતા હુમલાઓને કારણે હોર્મુઝ સ્ટ્રેટ અને ગલ્ફ ક્ષેત્રમાં શિપિંગ પર અસર પડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.