Western Times News

Gujarati News

પૈસા ડબલ કરવાની લાલચ આપી ૧પ લાખની છેતરપિંડી

AI Image

ગાંધીનગર,  ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી છેતરપિડીની ઘટન સામે આવી છે. જેમાં બાવાજીના વેશમાં આવેલા ગઠિયાઓએ એક વ્યક્તિને પૈસા ડબલ અને ચાર ગણા કરી આપવાની લાલચ આપી કુલ રૂપિયા ૧પ લાખ પડાવી લીધા છે.

ફરિયાદી દિનેશજી ચાવડા (રહે.મોટી આદરાજ, સુથારવાસાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ ઘટનાની શરૂઆત આશરે નવા મહિના પહેલાં થઈ હતી. દિનેશજી જ્યારે પોતાની એક્ટિવા પર નંબર પ્લેટ નંખાવવા જઈ રહ્યા હતા ત્યારે રૂપાલ-નારદીપુર રોડ પર એક સફેદ કારમાં બેઠેલા બે શખ્સોએ તેમને અટકાવ્યા હતા.

કારમાં એક બાવાજી બેઠેલા હતા. બાવાજીએ ફરિયાદીને આશીર્વાદ આપવાના બહાને વિશ્વાસમાં લીધા અને શરૂઆતમાં પ૦૦ની નોટના બદલે ડબલ પૈસા કરી આપ્યા હતા. ત્યારબાદ બાવાજીએ ફરિયાદીને મોટી રકમ લાવવા લલચાવ્યા હતા. ફરિયાદીએ ટુકડે-ટુકડે પોતાના ઘરેથી અને બેન્કમાંથી લોન લઈને તેમજ પરિચિતો પાસેથી ઉછીના મેળવીને કુલ ૧પ લાખ ભેગા કર્યા હતા.

આ રકમ લઈને ફરિયાદીને બાલાસિનોર પાસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં ગઠિયાઓએ એલ્યુમિનિયમના ડબ્બામાં પૈસા મૂકાવી, વિધિ કરવાનું નાટક કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે આ પૈસા ચાર ગણા થઈ જશે. જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે બાવાજીએ ફોન બંધ કરી દીધા હતા. દરમિયાન ફરિયાદીના પુત્રએ સોશિયલ મીડિયા/ઓનલાઈન એપ્લિકેશન પર સમાચાર જોયા કે સુરત ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના ગુનામાં એક બાવાજીને પકડયો છે.

ફોટો જોતા જ ફરિયાદીએ તેને ઓળખી કાઢયો હતો. પકડાયેલા આરોપીનું નામ રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી (રહે.ખેડા જિલ્લા) હોવાનું બહાર આવ્યું છે. પેથાપુર પોલીસે આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.