Western Times News

Gujarati News

ભરણપોષણના કેસમાં જેલ જવાની ચિંતામાં જુનાગઢના યુવાનનો આપઘાત

કોર્ટનો ચુકાદો આવવાની ભીતિએ ઝેરી દવા પી લીધી

લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદમાં ગમે ત્યારે ચુકાદો આવી શકે તેમ હોવાથી યુવાન માનસિક તણાવમાં હતો

જૂનાગઢ,જુનાગઢમાં પત્ની સાથેના મનદુઃખ બાદ ચાલી રહેલા ભરણપોષણના કેસમાં સંભવિત જેલવાસ અથવા મોટી રકમની ચુકવણીના ડરે એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદમાં ગમે ત્યારે ચુકાદો આવી શકે તેમ હોવાથી માનસિક તણાવમાં આવી ગયેલા આ યુવાને એસિડ પી લેતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાને પગલે બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મળતી માહિતી મુજબ, જુનાગઢના દોલતપરા વિસ્તારમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય રમેશભાઇ મનસુખભાઇ જાદવ હીરા ઘસવાનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મળતી માહિતી મુજબ, તેમના પત્ની હીનાબેન છેલ્લા છ વર્ષથી જેતપુર ખાતે પોતાના પિયરમાં રિસામણે હતા અને તેમણે કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ કર્યાે હતો. આગામી સમયમાં આ કેસનો નિકાલ થવાની શક્યતા હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રમેશભાઈને ડર હતો કે કોર્ટના ચુકાદા મુજબ જો તેઓ ભરણપોષણની રકમ નહીં ભરી શકે તો તેમને જેલમાં જવું પડશે. આ ચિંતામાં ગત ૧૯મી તારીખે તેમણે ઘરે જ એસિડ પી લીધું હતું. ગંભીર હાલતમાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં આજે તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફની જાણ બાદ જુનાગઢ એ-ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.