Western Times News

Gujarati News

ભારતને આંદામાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો

File

(એજન્સી) નવી દિલ્હી, અંદમાન ટાપુમાં ઊંડા પાણીની અંદર ભારતને ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે. ભારતની નવરત્ન કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એ આ અંગે માહિતી આપી છે.

પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ ગેસ ભંડાર અંગેની સંપૂર્ણ વિગતો શેર કરી છે. એકતરફ હોર્મુઝ સંકટે ભારતને એ પાઠ ભણાવ્યો છે કે, ઊર્જા માટે આયાત પર નિર્ભર રહેવું કેટલું જોખમી છે. ઈરાન યુદ્ધમાં ભારત તેલ અને ગેસની અછતનો સામનો કર્યા બાદ હવે, આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે આ દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ભારતને અંદમાનના ઊંડા સમુદ્રમાં ગેસનો મોટો ભંડાર મળ્યો છે.

ભારતની નવરત્ન કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડે શુક્રવારે માહિતી આપી હતી કે, તેમને અંદમાન ટાપુમાં ઊંડા પાણીની અંદર નેચરલ ગેસનો ભંડાર મળ્યો છે. તેમણે જણાવ્યું કે ‘અંદમાન ટાપુ સમૂહના પૂર્વી તટથી ૧૫ કિલોમીટર દૂર, ૩૫૫ મીટર ઊંડા પાણીમાં આવેલા ‘શ્રી વિજયપુરમ-૩’ નામના એક્સપ્લોરેટરી વેલ (સંશોધનાત્મક કૂવા) માં કુદરતી ગેસ હોવાનું માલૂમ પડ્‌યું છે. અહીં હાઇડ્રોકાર્બનની હાજરી જોવા મળી છે.’

ડીપ-વોટર એક્સપ્લોરેશન (ઊંડા પાણીમાં સંશોધન) અભિયાન અંતર્ગત ઓઇલ ઇન્ડિયા લિમિટેડે અંદમાન બેસિનમાં કુલ ૩ સંશોધનાત્મક કૂવાઓનું ડ્રિલિંગ કર્યું છે, જેમાંથી ૨ કૂવાઓમાં હાઇડ્રોકાર્બનની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જે ભારત માટે રાહતના મોટા સમાચાર છે. કંપનીએ ઓપન એકરેજ લાયસન્સિંગ પોલિસી હેઠળ આ કૂવાઓનું ડ્રિલિંગ કર્યું છે. આ પહેલા સપ્ટેમ્બર ૨૦૨૫માં ‘વિજયપુરમ-૨’ કૂવામાં પણ કુદરતી ગેસ મળવાની માહિતી સામે આવી હતી.

કંપની હાલમાં મળી આવેલા ગેસના નમૂનાઓનું પરીક્ષણ (ટેસ્ટિંગ) કરી રહી છે. આ ટેસ્ટિંગથી ગેસનું માળખું, તેની ક્ષમતા અને તેના જથ્થાની ચોક્કસ વિગતો મળી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.