Western Times News

Gujarati News

વિશ્વ પર્યાવરણ દિવસે મિશન 5Mn ટ્રીઝ મહાઅભિયાનની શરૂઆત કરાવી મુખ્યમંત્રીએ

મિયાવાકી પદ્ધતિ આધારિત ક્લોંગ-ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ

(પ્રતિનિધિ)     અમદાવાદ,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણના મહાઅભિયાનના શુભારંભ  કરાવ્યો હતો.

શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણના સ્રોતોની સચોટ માહિતી મેળવવા માટે મોબાઇલ સોર્સ અપોર્શનમેન્ટ ખાસ મોબાઈલ લેબોરેટરીને  મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું. આ સ્માર્ટ સેન્સિંગ અને ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ (મોબાઈલ રીયલ-ટાઈમ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરી) નો  મુખ્ય હેતુ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ફેલાવતા મુખ્ય સ્રોતોની વૈજ્ઞાનિક તપાસ કરવી અને હવાની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.

મુખ્યમંત્રીએ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મિયાંવાકી પદ્ધતિ આધારિત ક્લોંગ-ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો હતો.વધતી શહેરી વસતી અને ઝડપી શહેરીકરણને કારણે શહેરોમાં હીટ આઇલેન્ડ ઇફેક્ટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પરિણામે 40થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ગરમીનો અનુભવ વધુ સમય સુધી રહેતો હોય છે.

સામાન્ય સંજોગોમાં ગરમીની અસર 1થી 2 કલાકમાં ઓછી થઈ જતી હોય છે, પરંતુ હાલના સંજોગોમાં તેની અસર 3થી 4 કલાક સુધી અનુભવાય છે. આ પડકારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોથી ‘મિશન મિલિયન ટ્રીઝ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા વૃક્ષારોપણના આંકડા પણ નોંધપાત્ર છે. વર્ષ 2019-20 દરમિયાન 11,66,387 વૃક્ષો, વર્ષ 2020-21 દરમિયાન 10,13,856 વૃક્ષો, વર્ષ 2021-22 દરમિયાન 12,82,014 વૃક્ષો, વર્ષ 2022-23 દરમિયાન 20,75,431 વૃક્ષો, વર્ષ 2023-24 દરમિયાન 20,05,795 વૃક્ષો, વર્ષ 2024-25 દરમિયાન 30,13,151 વૃક્ષો તથા વર્ષ 2025-26 દરમિયાન અંદાજે 41,16,715 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ (વૃક્ષારોપણ) અંતર્ગત આ વર્ષે શહેરમાં ૫૦ લાખ  વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો દ્વારા આ સંદર્ભમાં ચાંદખેડા ખાતે વૃક્ષા રોપણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં ઊર્જા મંત્રી  ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય  અમિતભાઈ શાહ, જીતુભાઈ, અલ્પેશ ઠાકોર, હસમુખ પટેલ, હર્ષદ પટેલ, કૌશિક જૈન, ડેપ્યુટી મેયર શ્રી અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  કમલેશભાઈ પટેલ,  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર,  સહિત  કોર્પોરેટરો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.