Western Times News

Gujarati News

પાણીના નિકાલ બાબતે દિવ્યાંગ દંપતીના ઘરે મારામારીની ઘટના

ભત્રીજીને ટપારતાં ઉશ્કેરાયેલા પિતાએ કાકા પર હુમલો કર્યાે

ઉશ્કેરાયેલા ભાઈએ પોતાના કૌટુંબિક કાકા ઉપર હુમલો કરી મોંઢાના ભાગે સટાસટ લાફા મારી દીધા હોવાની ઘટના સામે આવી 

અમદાવાદ,મેઘાણીનગર વિસ્તારમાં આવેલા કલાપીનગર પાસેની ગીતાનગર સોસાયટીમાં ચોમાસાના વરસાદી પાણીના નિકાલ જેવી નજીવી બાબતે કૌટુંબિક સંબંધોમાં ખટરાસ ઊભો થયો છે. ઘર આગળ કપડાં ધોઈને પાણી તેમના ઘર તરફ વહાવવા બાબતે ભત્રીજીને ટપારતાં જ ઉશ્કેરાયેલા ભાઈએ પોતાના કૌટુંબિક કાકા ઉપર હુમલો કરી મોંઢાના ભાગે સટાસટ લાફા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મેઘાણીનગર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે.મેઘાણીનગર કલાપીનગર સ્થિત મકાન નંબર ૧૧, ગીતાનગર સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય નિવૃત્ત નિમેષભાઈ કસ્તુરભાઈ અમદાવાદી પોતાના પરિવાર સાથે રહે છે.

નિમેષભાઈને સાંજના સમયે આંખે ઓછું દેખાય છે, જ્યારે તેમના પત્ની જશોદાબેન સંપૂર્ણપણે આંખોથી દિવ્યાંગ (દૃષ્ટિહીન) છે. તેમના મકાનના આગળના ભાગમાં જ તેમનો કૌટુંબિક કાકાનો દીકરો અજયભાઈ વીરાભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે બપોરના આશરે એક વાગ્યાના સુમારે ચોમાસાનો વરસાદ ચાલુ હતો તે સમયે નિમેષભાઈની ભત્રીજી કિંજલ (નયનભાઈની દીકરી) પિયરમાં રહેવા આવેલી હોય, તે ઘર આગળ કપડાં ધોઈને ચોકડીનું પાણી નિમેષભાઈના ઘર આગળ કાઢતી હતી. આથી નિમેષભાઈએ કિંજલને પોતાના ઘર આગળ પાણી ન બગાડવા બાબતે કહ્યું હતું. પોતાની દીકરીને ઠપકો આપતાં જ અજયભાઈ દીકરીનું ઉપરાણું લઈને ઘર બહાર દોડી આવ્યા હતા અને એકદમ ઉશ્કેરાઈ જઈ નિમેષભાઈ સાથે ગાળાગાળી કરી મોંઢાના ભાગે લાફા મારવા લાગ્યા હતા.

બંને વચ્ચે ભારે ઝપાઝપી થતાં બૂમાબૂમ થઈ હતી. જેથી પત્ની જશોદાબેન તથા આજુબાજુના સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને નિમેષભાઈને અજયના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. જતાં જતાં અજય પરમારે ધમકી આપી હતી કે, “જો હવે પછી અમારા કોઈ કામમાં દખલગીરી કરી છે તો તમને જોઈ લઈશ!” આ ધમકી આપ્યા બાદ આરોપી સ્થળ પરથી જતો રહ્યો હતો. બનાવ બાદ વૃદ્ધ દંપતી ભારે ગભરાઈ ગયું હતું. બાદમાં નિમેષભાઈ તેમની દિવ્યાંગ પત્ની સાથે મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અજયભાઈ વીરાભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મેઘાણીનગર પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫(૨) અને ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ શંભુજી ખાંટે તપાસ હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.