વસ્ત્રાપુર સરકારી વસાહત ખાતે વર્ષો જૂના ૨૯ અનધિકૃત દબાણો દૂર કરી સરકારી જમીન સંપાદિત કરાઈ
તંત્ર અને પોલીસ પ્રશાસનના યોગ્ય સંકલનથી સમગ્ર કામગીરી કોઈપણ અવરોધ વિના અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ
અમદાવાદ, 05-06-2026 વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતની જમીન પર વર્ષોથી થયેલા અનધિકૃત દબાણોને હટાવવા માટે તંત્ર દ્વારા કાયદેસરની વહીવટી કાર્યવાહી હાથ ધરીને જમીન સંપૂર્ણપણે મુક્ત કરાવવામાં આવી છે.
ટી.પી. સ્કીમ નં. ૧ (TP no. 1) ના ફાઈનલ પ્લોટ નં. ૨૬૮ માં સમાવિષ્ટ આ સ્થળ પર લાંબા સમયથી પ્રવર્તમાન ૧૯ રહેણાંક અને ૧૦ વ્યાવસાયિક મળી કુલ ૨૯ અનધિકૃત દબાણોને વહીવટી પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દૂર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંબંધિત દબાણધારકોને સમયાંતરે નિયમાનુસાર નોટિસો પાઠવીને કબજે કરેલી જગ્યાની માલિકી અંગેના કાયદેસરના આધાર-પુરાવા રજૂ કરવા પૂરતો સમય અને તક આપવામાં આવી હતી. જો કે, રહેણાંક અને વ્યાવસાયિક દબાણધારકો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોથી કાયદેસરની માલિકી પુરવાર થઈ શકી નહોતી.

જેના પગલે સમયાંતરે પાઠવવામાં આવેલી નોટિસમાં આ કબજો સંપૂર્ણપણે અનધિકૃત હોવાનું સ્પષ્ટ કરી જગ્યા ખાલી કરવા જણાવાયું હતું. વખતોવખતની નોટિસો દ્વારા આખરી સૂચના આપીને પોલીસ બંદોબસ્ત સાથે ખાલી કરાવવાની વહીવટી કામગીરી અંગે અગાઉથી જ અવગત કરવામાં આવ્યા હતા.
આ વહીવટી પ્રક્રિયા માટે સબંધિત કચેરી દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી, જેને પોલીસ કમિશનરશ્રીની કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવતા મંજૂરી મળ્યાના દિવસે જ એટલે કે તા. ૦૪-૦૬-૨૦૨૬ના રોજ બપોરે ૧૬:૦૦ કલાકે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં વિડીયોગ્રાફી સહિત દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા અગાઉથી આપવામાં આવેલી વિવિધ નોટિસો અને પૂરતા સમયગાળાના કારણે મોટાભાગના દબાણધારકોએ તા. ૦૨-૦૬-૨૦૨૬ના રોજ જ પોતાનો માલસામાન સ્વેચ્છાએ ખસેડી લીધો હતો અને મુખ્ય દબાણધારકોએ પણ કાયદેસરની કાર્યવાહી પૂર્વે જ જગ્યા ખાલી કરી આપી હતી.
તંત્ર અને પોલીસ પ્રશાસનના યોગ્ય સંકલનથી આ સમગ્ર કામગીરી કોઈપણ અવરોધ વિના અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. અંદાજિત ૧૩૦૦ સ્કેવર મીટર જગ્યા પરથી દબાણો સંપૂર્ણપણે દૂર કરાયા બાદ, સુરક્ષાના પગલારૂપે તે જ રાત્રે ૨૩:૦૦ કલાકે સમગ્ર સરકારી જમીનની સરહદ પર વાયર ફેન્સિંગ કરીને જગ્યાને ભવિષ્ય માટે સુરક્ષિત કરી દેવામાં આવી છે.
