Western Times News

Gujarati News

કડાણા વોટર પ્લાન્ટમાં ઝેરી ક્લોરિન ગેસ લીક થતાં દોડધામ મચી

File Photo

એક કર્મચારીને ઝેરી ગેસની અસર -ઘટનાની ગંભીરતાને જોતા પ્લાન્ટના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરવામાં આવી હતી

દાહોદ, દાહોદ શહેરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાંથી એક અત્યંત ચિંતાજનક અને ભયભીત કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્લાન્ટમાં અચાનક જ કેમિકલ પ્રોસેસિંગ માટે વપરાતો ઝેરી ક્લોરિન ગેસ લીક થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી. ગેસની તીવ્ર ગંધ હવામાં પ્રસરતા જ લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, જેને પગલે લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા પ્લાન્ટના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં પ્લાન્ટમાં ફરજ બજાવતા એક કર્મચારીને ઝેરી ગેસની અસર થતાં ચક્કર આવી ગયા હતા અને તેઓ બેભાન જેવા થઈ ગયા હતા. તેમને તાત્કાલિક અસરથી ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના પગલારૂપે પ્લાન્ટની આસપાસના અને એન્જિનિયરિંગ કોલેજ નજીકના તમામ રહીશોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે દૂર જતા રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ફાયર બ્રિગેડની ટીમ અને વિશિષ્ટ ટેકનિકલ એક્સપર્ટ્સ ધરાવતી સ્કાડાની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્કાડા ટીમ દ્વારા અત્યારે આધુનિક સિસ્ટમ અને પ્રોટોકોલની મદદથી ક્લોરિન ગેસના લીકેજને સંપૂર્ણપણે બંધ કરવાની અને વાલ્વને લોક કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોઈપણ મોટી હોનારત ન સર્જાય તે માટે સમગ્ર પ્લાન્ટ અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને તકેદારીના તમામ પગલાં વધારી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.