વિકૃત મિત્રોના બ્લેકમેલિંગથી કંટાળી આધેડનો આપઘાત
પ્રતિકાત્મક
ફોટા વાયરલ કરવાની ધમકી આપી ૨૦ લાખ માંગ્યા! -આ આખી ઘટના એટલી હદે વણસી ગઈ હતી કે હરિભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના દીકરાને પણ આ ભયાનક સત્યની જાણ કરી હતી
રાજકોટ, રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટ તાલુકાના હોડથલી ગામે રહેતા હરિભાઈ નામના આધેડે પોતાના જ પડોશીઓ અને મિત્રોની માનસિક વિકૃતિ અને બ્લેકમેલિંગથી કંટાળીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
હરિભાઈએ આ આત્મઘાતી પગલું ભરતા પહેલા એક સનસનાટીપૂર્ણ સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેમણે પોતાની સાથે બનેલી આપવીતી અને આર્થિક તથા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો છે.
મળતી માહિતી મુજબ, મૃતક હરિભાઈએ આપઘાત પૂર્વે લખેલી ચિઠ્ઠીમાં તેમના જ પડોશમાં રહેતા નરેશભાઈ અને રવજીભાઈ નામના શખ્સોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ અન્ય ૬ અજાણ્યા શખ્સો પણ આ ગુનાહિત કૃત્યમાં સામેલ હોવાનું જણાવ્યું છે.
સુસાઇડ નોટના આક્ષેપો અનુસાર, આ નરાધમો તેમની પાસે વિકૃત કામો કરાવતા હતા અને ત્યારબાદ તેમના ફોટા પાડીને તેને વાયરલ કરવાની ધમકી આપતા હતા. આ ફોટાના આધારે છેલ્લા કેટલાય સમયથી હરિભાઈને બ્લેકમેલ કરીને અધધ ૨૦ લાખની ખંડણી માંગવામાં આવી રહી હતી.
આ આખી ઘટના એટલી હદે વણસી ગઈ હતી કે હરિભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના દીકરાને પણ આ ભયાનક સત્યની જાણ કરી હતી. તેમણે પુત્રને જમીન વેચીને પણ આ નરાધમોને નાણાં ચૂકવી દેવા જણાવ્યું હતું, પરંતુ આખરે માનસિક દબાણ ન જીરવી શકતા તેમણે જીવન ટૂંકાવી લીધું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક લેબ ખાતે ખસેડયો છે. પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો નોંધી બ્લેકમેલર પડોશીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
