મહિલા પ્રોફેસરની હત્યા કરવા ભાડૂઆત દંપત્તિ 1400 કિમી દૂરથી આવ્યું
કરોડો રૂપિયાની મિલકતને લઈને પ્રોફેસરની હત્યા કરાઈ-આસિસ્ટન્ટ પ્રોફેસર દેવસ્મિતા પાલ હત્યાના કેસ
મહિલા પ્રોફેસરના નાનાની પશ્ચિમ બંગાળમાં એક મિલકત હતી, આરોપી પતિ-પત્ની મિલકત પર કબજો જમાવા માંગતા હતા
નવી દિલ્હી, દિલ્હીના ન્યૂ અશોક નગર વિસ્તારમાં મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર દેવસ્મિતા પાલની હત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કરતાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોંકાવનારી હત્યાના પાછળ કોઈ લૂંટફાટ કે જૂની દુશ્મની નહોતી, પણ કરોડો રૂપિયાની મિલકતને લઈને ચાલી રહેલો વિવાદ હતો. પકડાયેલા આરોપીઓમાં એક પુરુષ અને એક મહિલા છે, જે પતિ-પત્ની છે. બંનેને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.
આ હાઈ-પ્રોફાઈલ હત્યાકાંડને ઉકેલવા માટે પોલીસની ૭ ટીમો સતત કામ કરી રહી હતી. તપાસ દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ સહિત કુલ ૪ રાજ્યોમાં દરોડા પડવામાં આવ્યા હતા.
પોલીસે હત્યાનો કેસ ઉકેલવા માટે લગભગ ૨૦૦ લોકોની તપાસ કરી, જેમની ઘટનાના દિવસે સોસાયટીમાં હાજરી કે પ્રવૃત્તિ શંકાસ્પદ લાગી હતી. આ ૨૦૦ લોકોમાંથી ૧૩ લોકો એવા હતા, જેમની ખાસ પૂછપરછ કરવામાં આવી. ટેકનિકલ અને માનવીય તપાસ બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી અને આખો હત્યાકાંડ ખુલ્લો પડી ગયો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મહિલા પ્રોફેસરના નાનાની પશ્ચિમ બંગાળમાં એક મિલકત હતી. આ મિલકતમાં આરોપી પતિ-પત્ની ભાડુઆત તરીકે રહેતા હતા. કહેવાય છે કે બંને આરોપી એ મિલકત પર કબજો જમાવા માંગતા હતા, જ્યારે મહિલા પ્રોફેસર તેમને મકાન ખાલી કરવા માટે દબાણ કરી રહી હતી. આ વિવાદ ધીમે ધીમે એટલો વધ્યો કે આરોપીઓએ પ્રોફેસરને રસ્તામાંથી હટાવવા માટે ષડયંત્ર રચ્યું. પોલીસનું કહેવું છે કે, હત્યા આખું ષડયંત્ર બનાવીને કરવામાં આવી હતી અને આરોપીઓ લગભગ ૧૪૦૦ કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળથી દિલ્હી આવ્યા હતા.
તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આરોપી પતિ-પત્ની પોતાના નાનાં બાળકને પણ સાથે લઈને દિલ્હી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે કોઈને શંકા ન જાય અને તેઓ સામાન્ય પરિવારની જેમ દેખાય.
હત્યા થઈ એ દિવસે બંને આરોપી (પતિ-પત્ની) મહિલા પ્રોફેસરને મળવા માટે ન્યૂ અશોક નગરની સોસાયટીમાં પહોંચ્યા. કારણ કે તેઓ પહેલેથી જ એકબીજાને ઓળખતાં હતા, એટલે તેમના પર કોઈને શંકા ન ગઈ. પોલીસનું માનવું છે કે, આરોપીઓએ પહેલા મિત્રતાપૂર્વક વર્તન કર્યું અને પછી તક મળતાં જ પોતાનાથી સાથે લાવેલા હથિયારથી મહિલા પ્રોફેસર પર હુમલો કર્યો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ખૂબ ચાલાકીથી આખું પ્લાનિંગ કર્યું હતું. તેઓ સીધા પ્રોફેસર સાથે સંપર્કમાં આવ્યા અને વાતચીતના બહાને ઘરમાં ઘૂસી ગયા. પછી અચાનક હુમલો કરીને હત્યા કરી નાખી. ઘટનાના પછી બંને આરોપી દિલ્હીથી ભાગી ગયા અને પશ્ચિમ બંગાળ પાછા ફર્યા. જોકે, પોલીસે ટેકનિકલ મોનિટરિંગ, ઝ્રઝ્ર્ફ ફૂટેજ, મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવાઓના આધારે આખરે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી.
આ પતિ-પત્ની પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે હત્યાનું ષડયંત્ર ક્્યારે રચાયું હતું અને શું તેમાં કોઈ ત્રીજી વ્યક્તિ પણ સામેલ હતી કે નહીં? સાથે જ હત્યામાં વપરાયેલા હથિયાર અને અન્ય પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
દિલ્હી પોલીસ માટે આ કેસ મોટો પડકાર બની ગયો હતો, કારણ કે હત્યા પછી આરોપી રાજ્યની બહાર ભાગી ગયા હતા. પણ ૭ ટીમોની સતત મહેનત, ૪ રાજ્યોમાં દરોડા અને અનેક લોકોની પૂછપરછ બાદ આખરે પોલીસે આ બ્લાઈન્ડ મર્ડર કેસ ઉકેલી લીધો છે.
