શાંતિ કરાર પછી જ ઇરાન પરના પ્રતિબંધો હટાવીશું : ટ્રમ્પ
ઇઝરાયેલે લેબેનોનમાં બોમ્બમારો જારી રાખતાં ઇરાન ભડક્યું
સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘલીબાફે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલના થાણા અને મિલ્કતો હવે અમારા નિશાન પર રહેશે
વોશિંગ્ટન, ઇરાન સાથેની શાંતિ મંત્રણા માટે પોતાનું વલણ વધુ આકરું બનાવતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ કોઈપણ સંભવિત શાંતિ કરાર પહેલા ઈરાનની જપ્ત કરાયેલો સંપત્તિઓને મુક્ત નહીં કરે અથવા પ્રતિબંધો હટાવવા માટે સંમત થશે નહીં. આની સાથે તેમણે ઇરાન સંમત થાય કે ન થાય, પરંતુ તેના સંવર્ધિત યુરેનિયમના ભંડાર પર અંકુશ મેળવવાનો અને તેનો નાશ કરવાની પણ ચેતવણી આપી હતી. બીજી બાજુ ઇઝરાયેલે લેબનોનમાં બોમ્બમારો ચાલુ રાખ્યો છે. જેમાં વધુ બે લોકોનાં મોત થયા છે અને એક ડઝનથી વધુ ઘવાયા છે.
ઇરાને તેનો આકરો બદલો લેવાનો હુંકાર કર્યાે છે. સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘલીબાફે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલના થાણા અને મિલ્કતો હવે અમારા નિશાન પર રહેશે.બહેરીન અને કુવૈત પર ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા અને તે પછી અમેરિકના ઇરાનના સર્વેલાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા પછી ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ વચ્ચે શાંતિ મંત્રણાના પ્રયાસો પણ તેજ થયા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો સંદેશ લઈને તહેરાન પહોંચ્યાં હતાં.
અગાઉ પણ પાકિસ્તાનની મધ્યસ્થીમાં ઇરાન અને અમેરિકાના અધિકારીઓએ મંત્રણા કરી હતી. જોકે તેમાં કોઇ સફળતા મળી ન હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી ચાલતા યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈ કરાર થાય છે, તો અમેરિકા ઈરાનના સંવર્ધિત યુરેનિયમને શોધીને તેનો નાશ કરવામાં ઈરાન સાથે મળીને કામ કરશે. ન્યૂઝના ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કોઈ સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનની સૈન્ય ક્ષમતાને વધુ નબળી બનાવશે, જેથી અમેરિકન દળો સુરક્ષિત રીતે તેને પરમાણુ સામગ્રી જપ્ત કરી શકે.
જો અમારી વચ્ચે એવો કરાર થાય કે હવે અમે મિત્રતાપૂર્વક આગળ વધીએ છીએ, તો અમે સાથે મળીને કામ કરીશું. સાધનો અમારા હશે. અમે તે યુરેનિયમને બહાર કાઢી તેનો નાશ કરીશું.અમેરિકી પ્રેસિડન્ટે દાવો કર્યાે હતો કે તેઓ ઈરાન સાથે કરાર કરવા માટે ખૂબ નજીક પહોંચી ગયા છે, પરંતુ તેઓ ઈરાન પર વધુ દબાણ કરી રહ્યા છે, જેથી તે પોતાની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓને સંપૂર્ણપણે છોડી દેવાની પ્રતિબદ્ધતા આપે.તેમણે ચેતવણી આપી હતી કે જો કરાર નહીં થાય તો અમે ઈરાન સામે ખૂબ કડક સૈન્ય કાર્યવાહી કરીશું, જેથી દરેક સ્થિતિમાં અમારી સુરક્ષા સુનિશ્ચિત રહેશે.
શાંતિ કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈરાન પરના પ્રતિબંધો હટાવવામાં આવશે નહીં અને તેની જપ્ત કરાયેલી સંપત્તિઓ પણ મુક્ત કરાશે નહીં. ટ્રમ્પે દાવો કર્યાે હતો કે ઈરાને એ હકીકત સ્વીકારી લીધી છે કે તે પરમાણુ હથિયારો નહીં બનાવે. કરારના ડ્રાફ્ટમાં પણ એવી જોગવાઈ છે કે ઈરાન પરમાણુ હથિયારો વિકસાવશે નહીં, પરંતુ કરારમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ ઉમેરવી જરૂરી છે. જો તેઓ પોતે પરમાણુ હથિયારો વિકસાવતા ન હોય, પરંતુ તેને ખરીદી લે અથવા કોઈ રીતે મેળવી લે તો શું? હું કરારમાં ‘ખરીદવા, મેળવવા અથવા હસ્તગત કરવા’ જેવા શબ્દો ઉમેરવા માંગું છું. ઈરાનને પરમાણુ હથિયારો વિકસાવવાનો, ખરીદવાનો કે કોઈ પણ રીતે મેળવવાનો અધિકાર ન હોવો જોઈએ. આ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી અમેરિકન સૈનિકોને આ વિસ્તારમાં તૈનાત રખાશે. SS1
