H-1B વિઝાની ૧ લાખ ડોલરની ફી રદ કરવાના ચુકાદાને ભારતીયોએ આવકાર્યાે
કોર્ટમાં પછડાટ છતાં ટ્રમ્પ સરકાર નવેસરથી કોઈ ફી લાદે તેવો ડર હજુ યથાવત
ટ્રમ્પે નવી H-1B વિઝા અરજીઓ માટે ૧,૦૦,૦૦૦ ડોલરની ફી વસૂલવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું
વોશિંગ્ટન, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એચ૧-બી વિઝા પ્રોગ્રામ પર લાદવામાં આવેલી એક લાખ ડોલરની ફીને ગેરકાયદે ગણાવી રદ કરવાના અમેરિકાની સંઘીય કોર્ટના ચુકાદાથી ભારત સહિત વિશ્વભરના ટેન્કોલોજી પ્રોફેશલ્સમાં આનંદ છવાઈ ગયો છે. કોર્ટના ચુકાદાને મોટી રાહત ગણાવતાં ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ડાયસ્પોરા સ્ટડીઝ (એફઆઈઆઈડીએસ)ના ખાંડેરાવ કાંડે જણાવ્યું હતું કે, એચ૧-બી વિઝા પરની એક લાખ ડોલરની ફી રદ કરવાના માસાચુસેટ્સ ફેડરલ કોર્ટના ચુકાદાને અમે આવકારીએ છીએ.
આ ચુકાદાથી એચ૧-બી વિઝા સાથે સંકળાયેલા તમામ લોકોને મોટી રાહત થશે. તેમના મતે ટેન્કોલોજી, રિસર્ચ તથા ઉદ્યોગસાહસિકતા જેવા ક્ષેત્રોની વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકાને અગ્રેસર રાખવામાં આ ચુકાદો મહત્વનો પુરવાર થશે. ટેન્કોલોજી, આરોગ્ય વ્યવસ્થા તથા આધુનિક ઉત્પાદન સહિતના અમેરિકાના તમામ ક્ષેત્રોના સતત વિકાસ માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં પ્રતિભાશાળી વૈશ્વિક પ્રોફેશ્નલ્સની ઉપલબ્ધિ જરૂરી છે. આ ચુકાદાએ એ પુરવાર કર્યું છે કે, નીતિને લગતાં મોટાં ફેરફારો કાયદાની મર્યાદામાં રહીને તથા આર્થિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ.
ઈન્ડિયા ડાયસ્પોરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ જોશીપુરાના જણાવ્યાં અનુસાર, કોર્ટના આદેશથી હજારો ભારતીય પ્રોફેશ્નલ્સ માટે નવી આશા જન્મી છે. જોકે તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, ચુકાદા બાદ ટ્રમ્પ કોઈ નવી ફી લાદી ના દે. તેમના મતે ટ્રમ્પ વહીવટતંત્ર, હજી પણ એચ૧-બી વિઝાધારકો પર નિયંત્રણો લાદવા પ્રયાસો કરી શકે તેવી આશંકા છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં, ટ્રમ્પે નવી એચ૧-બી વિઝા અરજીઓ માટે ૧,૦૦,૦૦૦ ડોલરની ફી વસૂલવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. ss1
