જાપાન બાદ નેપાળે પણ ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મુક્યો
ગયા મહિને જાપાને પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી હતી
કેરીના કેટલાંક જથ્થામાં જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારીત કરતાં વધારે હોવાના કારણે નિર્ણય નિકાસ બંધ કરી
નવી દિલ્હી, ભારતીય કૃષિ ઉત્પાદનો, ખાસ કરીને વિશ્વભરમાં લોકપ્રિય એવી ભારતીય કેરી માટે હાલનો સમય થોડો પડકારજનક જણાઈ રહ્યો છે. તાજેતરમાં જાપાન દ્વારા લેવામાં આવેલા કડક નિર્ણય બાદ, હવે પાડોશી દેશ નેપાળે પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી દીધી છે. ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના માપદંડોને લઈને લેવામાં આવેલ આ નિર્ણયથી ભારતીય કેરીના નિકાસકારો અને બજાર પર અસર પડી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરી તપાસ દરમિયાન ભારતીય કેરીની કેટલીક ખેપોમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ માત્રામાં જંતુનાશકો મળી આવ્યા હતા.
નેપાળ સરકારનું કહેવું છે કે આ નિર્ણય માત્ર દેશના ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરાવવા માટે લેવામાં આવ્યો છે, અને તેનો હેતુ ભારત સાથેના વેપારી સંબંધોને નુકસાન પહોંચાડવાનો નથી. ઉલ્લેખનીય છે કે, આ પ્રતિબંધ લાગુ થયા તે પહેલાં જ લગભગ ૧૫.૮ મેટ્રિક ટન ભારતીય કેરી નેપાળ પહોંચી ગઈ હતી, જેની કિંમત અંદાજે ૧૦ લાખ નેપાળી રૂપિયા હોવાનું મનાય છે. ગયા મહિને જાપાને પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી હતી. જોકે, જાપાનનું કારણ અલગ હતું; તેમણે જંતુનાશકોને બદલે તપાસ અને સફાઈ (ફાયટોસેનિટરી) સંબંધિત નિયમોમાં ખામી હોવાનું જણાવીને નિર્ણય લીધો હતો.ss1
