અમદાવાદ મ્યુ. કોર્પો. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી અંદાજિત 2000 સફાઈ કર્મચારીઓ માટે યોગ શિબિર યોજાઈ
પ્રતિકાત્મક
અમદાવાદ (પ્રતિનિધિ) આગામી 21 જૂનના રોજ ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદમાં આજે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત સહયોગથી વસ્ત્રાપુર સ્થિત તન-મન ગ્રાઉન્ડ ખાતે સવારે 5:30 થી 7:30 વાગ્યા દરમિયાન યોજાયેલી આ શિબિરમાં અંદાજિત 2000 જેટલા સફાઈ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગ અંગે જાગૃતિ વધે, લોકો નિયમિત યોગ અપનાવે અને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલી આ યોગ શિબિર દ્વારા સફાઈ કર્મચારીઓને યોગના આરોગ્યલક્ષી લાભોથી અવગત કરાવવામાં આવ્યા હતા. તેમજ દૈનિક જીવનમાં યોગ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શિબિર દરમિયાન યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ અંગે સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવો, નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી અને નિરોગી જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમક્ષ રજૂ કરાયેલા પ્રસ્તાવ બાદ દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણીને વધુ વ્યાપક અને જનભાગીદારીયુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પૂર્વ તૈયારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આજની યોગ શિબિર મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
