Western Times News

Gujarati News

દેશમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસનો બે મહિનાનો સ્ટોક, ચિંતા ન કરશોઃ સરકાર

સરકારે ભવિષ્યમાં ઈંધણની કિંમતોમાં વધારા અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું

દેશમાં ઇથેનોલનું વધુ પ્રમાણ ધરાવતા પેટ્રોલના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઈથેનોલનું વધુ પ્રમાણ ધરાવતાં પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઈઝ ડ્યુટી નાબૂદ કરી છે

નવી દિલ્હી,પશ્ચિમ એશિયામાં સંકટના પગલે દેશમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસની ઉપલબ્ધિ બાબતે અનેક નાગરિકો ચિંતિત છે, પરંતુ દેશમાં ઈંધણનું કોઈ સંકટ નથી. સરકારે નાગરિકોને રાહતના સમાચાર આપતાં વિશ્વાસ અપાવ્યો છે કે, દેશમાં ક્‰ડ ઓઈલ, એલપીજી અને એલએનજીનો પૂરતો સ્ટોક છે. દેશમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસનો બે મહિનાનો સ્ટોક ઉપલબ્ધ છે અને નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ગુરુવારે વપરાશકારો અને ઉદ્યોગોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, ઈંધણના પુરવઠામાં કોઈ સમસ્યા નથી અને ગભરાટમાં આવીને જરૂરિયાત કરતાં વધારે ખરીદી કરવાની આવશ્યકતા નથી.

વિભાગના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું હતું કે, અગ્રણી પેટ્રોલિયમ પેદાશોનો પુરવઠો સંપૂર્ણ સ્થિર છે. ક્‰ડ ઓઈલ, પેટ્રોલ, ડિઝલ, એલપીજી અને કુદરતી ગેસનો સપ્લાય સ્થિર છે અને દેશની રીફાઈનરીઓ પોતાની ઉચ્ચતમ ક્ષમતા પર કામ કરી રહી છે. ઈંધણની અછત બાબતે સતત પૂછાઈ રહેલા સવાલોનો જવાબ આપતાં શર્માએ કહ્યું હતું કે, દેશમાં પૂરતો સ્ટોક હોવાનો વિશ્વાસ છેલ્લા ત્રણ મહિનાથી સરકાર અપાવી રહી છે. દેશમાં રોલિંગ સ્ટોક ઉપલબ્ધ છે અને લગભગ બે મહિનાની ઈંધણ જરૂરિયાત સંતોષવા માટે પર્યાપ્ત છે.

કેટલાક રીટેલ આઉટલેટ્‌સ પર વેચાણ વધ્યું છે, પરંતુ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દેશભરમાં અડચણરહિત સપ્લાય સુનિશ્ચિત કરે છે. ઈરાન-યુએસ વચ્ચે યુદ્ધનું સંકટ વધારે વિકટ બન્યું છે ત્યારે આગામી સમયમાં ઈંધણની કિંમતોમાં વધારા અંગે સવાલ પૂછાતાં તેઓ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં કિંમતો અંગે હાલ કહી શકાય તેમ નથી. પેટ્રોલ-ડિઝલ, એલપીજી, કુદરતી ગેસનો પુરવઠો જાળવી રાખવા અને વપરાશકારોને હાલાકીમાંથી ઉગારવા સરકાર સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે.દેશમાં ઇથેનોલનું વધુ પ્રમાણ ધરાવતા પેટ્રોલના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઈથેનોલનું વધુ પ્રમાણ ધરાવતાં પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઈઝ ડ્યુટી નાબૂદ કરી છે.

ફ્યુઅલ બ્લેન્ડિંગની પ્રક્રિયા પર લાગતાં બેવડાં ટેક્સને અટકાવવા સરકારે આ નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે એક જાહેરનામું બહાર પાડીને E૨૨, E૨૫, E૨૭ અને E૩૦ ગ્રેડના ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. જોકે આ માટે પેટ્રોલ પર એક્સાઇઝ અને ઇથેનોલ પર જીએસટી પહેલેથી ચૂકવાયેલો હોવો જરૂરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય મિશ્રણની પ્રક્રિયાને ‘મેન્યુફેક્ચરિંગ’ ગણીને કંપનીઓ પાસેથી બીજી વખત ટેક્સ વસૂલવાની જોગવાઈને રદ કરવાનો છે. ૧૦ જૂનથી અમલી બનેલા આ નિયમથી કંપનીઓને ડબલ ટેક્સેશનની જાળમાંથી મુક્તિ મળશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાહતથી સામાન્ય જનતા માટે પેટ્રોલના છૂટક ભાવમાં કોઈ તાત્કાલિક ઘટાડો નહીં થાય.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.