Western Times News

Gujarati News

ખેડા જિલ્લા પંચાયતના સભ્ય પ્રફૂલનો વિદેશી દારૂ વલેટવા ગામેથી પકડાયોઃ ટોળકી ફરાર

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) નડિયાદ, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વસોના વલેટવા ગામની સીમમાં કેનાલ પાસે દરોડો પાડી ખેડા જિલ્લા પંચાયત ના સભ્ય અને નડિયાદના આખડોલ ગામના પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદ પરમાર સહિતની બુટલેગર ત્રિપુટીનો રૂપિયા ૫,૦૭,૬૪૪ની કિંમતનો ૧,૦૩૩ નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો છે.

રાજકીય આલમમાં ભારે ચકચાર મચાવનારા આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક સાગરીતની અટકાયત કરી કુલ રૂપિયા ૫,૧૭,૬૪૪નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે મુખ્ય આરોપી જિલ્લા પંચાયત સભ્ય સહિતની બુટલેગર ત્રિપુટી ફરાર થઈ ગઈ છે.જેને પકડવા પોલીસ કામે લાગી છે.

મળતી માહિતી. મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની પોલીસ ટીમને ગઈકાલે મધ્યરાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ખેડા જિલ્લા પંચાયતના સભ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદ પરમાર, ભગુ ફુલા પરમાર અને અતુલ રાજેશ પરમારની બુટલેગર ત્રિપુટી બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવીને વલેટવા ગામની સીમમાં કેનાલ પાસે આવેલા ભગુ ફુલા પરમારના મકાન અને ગોડાઉનમાં છુપાવે છે અને ત્યાંથી જરૂરિયાત મુજબ દારૂ લાવીને વેચાણ કરે છે.

આ બાતમીના આધારે એસએમસી પોલીસે મધ્યરાત્રી પછી તાત્કાલિક ઉક્ત મકાન અને ગોડાઉન પર છાપો માર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરીને બુટલેગર ત્રિપુટીએ છુપાવી રાખેલી વિદેશી દારૂની કુલ ૧,૦૩૩ નંગ બોટલો રિકવર કરી હતી, જેની કિંમત રૂપિયા ૫,૦૭,૬૪૪ થાય છે.

દરોડા દરમિયાન પોલીસે ગોડાઉન પર હાજર બુટલેગર ત્રિપુટીના સાગરીત અને આખડોલ ગામના રહેવાસી હિતેષ અરવિંદ પરમારને દબોચી લીધો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૫,૧૭,૬૪૪નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જોકે, દરોડાના સમયે મુખ્ય સૂત્રધાર ખેડા જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદ પરમાર, ભગુ ફુલા પરમાર અને અતુલ રાજેશ પરમાર ત્યાં હાજર ન હોવાથી પોલીસના હાથે ચડ્‌યા ન હતા અને ફરાર થઈ ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ મકાન અને ગોડાઉનમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદ પરમાર સહિતની આ બુટલેગર ત્રિપુટી ભાગીદારીમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર કરતી હતી. આ ઉપરાંત, પકડાયેલા વિદેશી દારૂના જથ્થાની ઓળખ ન થઈ શકે તે માટે બુટલેગરોએ દારૂની બોટલો પરથી મેન્યુફેક્ચરિંગ તારીખ અને બેચ નંબર પણ ભૂંસી નાખ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ રેકોર્ડ મુજબ, આ ત્રિપુટી અગાઉ પણ દારૂના ગુનાઓમાં સંડોવાયેલી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરવા માટે આખી ટોળકી બનાવીને ગુના આચરતી હતી. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે આ અંગે વડતાલ પોલીસ મથકે દારૂબંધીનો ગુનો નોંધીને વોન્ટેડ આરોપી જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી પરમાર, ભગુ પરમાર, અતુલ પરમાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર સપ્લાયરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.