Western Times News

Gujarati News

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ઇંડા અને વેજ વાનગીઓ એક જ પાત્રમાં બનાવાતાં વિવાદ

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ઇંડા આધારિત વાનગીઓના પાત્રમાં જ વેજીટેરિયન વાનગીઓ બનાવવામાં આવતાં વિવાદ ઉભો થયો

‘પ્યોર વેજ’ કેન્ટીનના નામે નોન-વેજ પીરસાતું હોવાની ફરિયાદ

અમદાવાદ, અમદાવાદની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોલેજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ઇંડા આધારિત વાનગીઓ બનાવવામાં આવતી હોવાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેન્ટીન શરૂ કરતી વખતે તેને ‘પ્યોર વેજીટેરિયન’ તરીકે જાહેર કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા તેનાથી સાવ વિપરીત છે. એટલું જ નહી કોલેજ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં છેવટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સમક્ષ ફરિયાદ કરીને તાકીદે સમસ્યાના નિવારણની માંગણી કરવામાં આવી છે.

જો વહેલીતકે આ સમસ્યાનો ઉકેલ ન આવે તો આગામી દિવસોમાં શિક્ષણમંત્રી સહિત તમામ સ્તરે રજૂઆત કરવા ઉપરાંત આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની મુખ્ય ફરિયાદ એ છે કે, જે સાધનો અને વાસણોમાં શાકાહારી ભોજન બનાવવામાં આવે છે, તેનો જ ઉપયોગ ઇંડા આધારિત વાનગીઓ બનાવવા માટે પણ થાય છે. આ બાબત શાકાહારી વિદ્યાર્થીઓની ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત લાગણીઓને ગંભીર રીતે ઠેસ પહોંચાડી રહી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ શાકાહારી હોવાથી તેઓ પ્યોર વેજીટેરિયન કેન્ટીનની અપેક્ષા રાખે છે, પરંતુ કેન્ટીનમાં ખુલ્લેઆમ ઇંડાનું વેચાણ અને નિર્માણ થતું હોવાથી તેઓ સ્વીકારી શકતા નથી.

વધુમાં, ભોજનની ગુણવત્તા, સ્વાદ અને સ્વચ્છતા અંગે પણ વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી છે. આ ગંભીર મુદ્દે અગાઉ કોલેજના પ્રિન્સિપાલ સમક્ષ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને તેમણે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી, પરંતુ આજદિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આખરે, કંટાળેલા વિદ્યાર્થીઓએ હવે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિને લેખિત ફરિયાદ કરી તાકીદે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે, કેન્ટીનમાં વેજ અને ઇંડા આધારિત ખાદ્યપદાર્થાે માટે સંપૂર્ણપણે અલગ રસોડા, અલગ વાસણો અને અલગ સર્વિસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જો યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં આ દિશામાં નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા ઉપરાંત વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. શિક્ષણ સંસ્થામાં સર્જાયેલા આ વિવાદથી સમગ્ર કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.