અમિતાભ બચ્ચને ૮૩ વર્ષે એક દિવસમાં ૧૨ શોર્ટ ફિલ્મ શૂટ કરી
૧૨ શોર્ટ ફિલ્મ અને ૨ અન્ય પ્રોજેક્ટ પર કામ કર્યું
અમિતાભની આ પોસ્ટ બાદ ચાહકોએ તેમના સમર્પણ અને કાર્યનિષ્ઠાની ભરપૂર પ્રશંસા કરી હતી
મુંબઈ,અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે પણ દરરોજ એ સાબિત કરી રહ્યા છે કે ઉમર માત્ર આંકડો છે અને જ્યારે પેશન અને ડેડિકેશનની વાત આવે તો ઉંમર ક્યાંય નડતી નથી. તાજેતરમાં તેમણે પોતાના બ્લોગમાં પોતાનું થકવી દે તેવું શીડ્યુલ જાહેર કર્યું હતું, જેમાં તેમણે એક જ દિવસમાં ૧૨ શોર્ટ ફિલ્મ અને ૨ ફોટો શૂટનું કામ પૂરૂં કર્યું હતું, પછી તેઓ ફૅન્સ સાથે વાતો કરવા બ્લોગ લખવા બેઠા હતા. કામ માટેના તેમના સમર્પણભાવથી તેમના ફૅન્સ ઘણા પ્રભાવિત થયા હતા. અમિતાભ બચ્ચને રાત્રે ૩ વાગ્યે બ્લોગ લખી ચાહકો સાથે તેમનાં વ્યસ્ત દિવસનો અનુભવ વહેંચતા કહ્યું – ‘કામ ક્યારેય અટકવું ન જોઈએ’.
મોડી રાત્રે, લગભગ ૩ વાગ્યે પોતાના બ્લોગ દ્વારા ચાહકો સાથે તેમના વ્યસ્ત દિવસના ફોટોગ્રાફ્સ સાથે તેમણે પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરતાં લખ્યું,“કામ એટલે કામ… કામ એટલે કામ… કામ એટલે કામ…!!! આજે ૧૨ ટૂંકી ફિલ્મોનું શૂટિંગ કર્યું, ૨ સ્ટિલ ફોટોશૂટ પૂર્ણ કર્યા અને હવે તમારાં માટે કામ કરી રહ્યો છું.”અમિતાભે વધુમાં જણાવ્યું કે ચાહકો સાથે સતત જોડાયેલાં રહેવું તેમના માટે ખુબ મહત્વનું છે અને તે ક્યારેય બંધ થવું જોઈએ નહીં. તેમણે લખ્યું, “ચાહકો સાથેનો આ સંપર્ક જ દિવસનું સૌથી મહત્વપૂર્ણ કામ છે.
બાકી બધું તો ચાલતું રહેશે, પરંતુ આ ક્યારેય બંધ ન થવું જોઈએ. કામ પહેલાં અનેક દિવસોની તૈયારી પછી પણ સતત અભ્યાસ કરવો જોઈએ અને કોઈપણ પરિસ્થિતિમાં સમાધાન ન કરવું જોઈએ. હવે સૂવા જવાનો સમય થયો છે.”અમિતાભની આ પોસ્ટ બાદ ચાહકોએ તેમના સમર્પણ અને કાર્યનિષ્ઠાની ભરપૂર પ્રશંસા કરી હતી. એક ચાહકે લખ્યું, “તમે આ જાહેરાતોમાં ખરેખર અદ્ભુત લાગી રહ્યા છો.” તો બીજા એક ચાહકે લખ્યું, “સર, તમે અમારા માટે પ્રેરણાસ્ત્રોત છો. તમારી મહાનતાનું વર્ણન કરવા માટે શબ્દો નથી. તમારી આભા સામે બધું ફિક્કું લાગે છે.”
તો કોઈએ કેબીસીની નવી સીઝન અંગે પણ આતુરતા વ્યક્ત કરી હતી. જો અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મોની વાત કરવામાં આવે તો, તેઓ આગામી સમયમાં નિર્દેશક નાગ અશ્વિનની ફિલ્મ કલકી ૨૮૯૮ એડીની સિક્વલમાં જોવા મળશે. જેમાં તેમની સાથે પ્રભાસ અને કમલ હસન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. પ્રથમ ફિલ્મે ગ્લોબલી ૧,૦૦૦ કરોડથી વધુની કમાણી કરીને જબરદસ્ત સફળતા મેળવી હતી. ફિલ્મમાં અમિતાભે અશ્વત્થામાનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકો અને સમીક્ષકો તરફથી ભારે પ્રશંસા મળી હતી. ખાસ કરીને તેમની સ્ક્રીન પ્રેઝન્સ અને એક્શન સીનને ખુબ વખાણવામાં આવ્યાં હતાં.SS1
