Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે ‘કવચ 4.0’ પ્રણાલીથી સંપૂર્ણ સજ્જ થશે

₹140 કરોડના ખર્ચે 598 રૂટ કિલોમીટર માટે મંજૂરી મળતાં અમદાવાદ રેલવેનો સો ટકા વિસ્તાર સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીથી આવરી લેવાશે

રેલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટેના મહત્ત્વના પગલા તરીકે અમદાવાદ રેલવેમાં ‘કવચ’ સુરક્ષા પ્રણાલીના ચોથા સંસ્કરણ ‘કવચ 4.0’ના વિસ્તરણ માટે ₹140 કરોડની મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ મંડળના 598 રૂટ કિલોમીટરમાં ફેલાયેલા 48 બ્લોક સેક્શનમાં આ પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, આ યોજના ભારતીય રેલવેના બાકીના માર્ગો પર એલટીઈ (LTE) આધારિત સંચાર નેટવર્ક સાથે કવચ પ્રણાલી ઉપલબ્ધ કરાવવાના વ્યાપક કાર્યક્રમ અંતર્ગત મંજૂર કરવામાં આવી છે.

આ અંગે અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે અમદાવાદ રેલવેના આશરે 702 રૂટ કિલોમીટર પર ‘કવચ’ સુરક્ષા પ્રણાલીને પહેલેથી જ મંજૂરી અપાઈ છે. નવા પ્રોજેક્ટની મંજૂરી બાદ અમદાવાદ રેલવેના બાકીના રેલખંડો પણ કવચ પ્રણાલીમાં સમાવી લેવાશે. પરિણામે, અમદાવાદ રેલવેનું સમગ્ર નેટવર્ક કુલ 1300 રૂટ કિલોમીટર સુધી કવચ પ્રણાલીથી આવરી લેવામાં આવશે.

કવચ’ ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી અત્યાધુનિક અને સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) પ્રણાલી છે. જેનો મુખ્ય હેતુ રેલ સંચાલનને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ પ્રણાલી—

  • સિગ્નલ પાસિંગ એટ ડેન્જર (SPAD) જેવી ઘટનાઓને અટકાવવામાં મદદરૂપ બને છે. 
  • જરૂરિયાત મુજબ આપોઆપ બ્રેક લગાવી અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળે છે. 
  • સંવેદનશીલ પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે. 
  • રેલ અકસ્માતો અને ટ્રેનો વચ્ચેની ટક્કરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. 

ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં પોતાના સમગ્ર નેટવર્ક પર કવચ પ્રણાલીનો તબક્કાવાર અમલ કરી રહી છે.

અમદાવાદ રેલવેમાં ‘કવચ 4.0’નું સંપૂર્ણ અમલીકરણ સુરક્ષિત, આધુનિક અને આત્મનિર્ભર રેલવે વ્યવસ્થાના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે. આ પહેલ માત્ર મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ ભારતીય રેલવેના ટેક્નોલોજિકલ આધુનિકીકરણની દિશામાં પણ એક અગત્યનું સીમાચિહ્ન સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.