Western Times News

Gujarati News

સામાન્ય માનવી માટે લોન મુશ્કેલ, અમીરો માટે નિયમો નેવે : સુપ્રીમ

પ્રતિકાત્મક

સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટકી

સામાન્ય માણસે એક નાની લોન લેવા માટે પણ ધક્કા ખાવા પડે છે અને અનેક પ્રકારની કડક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે

નવી દિલ્હી,દેશની સર્વાેચ્ચ અદાલતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સહિત તમામ સરકારી બેન્કોની કામ કરવાની પદ્ધતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે ખૂબ જ કડક શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું છે કે, આ બેન્કો સામાન્ય નાગરિકોને પોતાની નાની-નાની જરૂરિયાતો માટે લોન આપવાના નામે ભારે હેરાન-પરેશાન કરે છે. સામાન્ય માણસે એક નાની લોન લેવા માટે પણ ધક્કા ખાવા પડે છે અને અનેક પ્રકારની કડક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.બીજી તરફ, આ જ બેન્કો મોટા-મોટા અમીર ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓ પર લહાણી કરી રહી છે.

કોઈ પણ પ્રકારના યોગ્ય વિચાર-વિમર્શ કે પૂરતી તપાસ વગર તેમને કરોડો અને અબજો રૂપિયાની મોટી લોન સરળતાથી મંજૂર કરી દેવામાં આવે છે. ચિંતાની વાત એ છે કે, થોડા જ સમયમાં આ ઉદ્યોગપતિઓને આપેલી કરોડો રૂપિયાની લોન ડૂબી જાય છે જે આડકતરી રીતે દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડે છે.આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે ચિંતા વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું કે, હાલમાં બેન્કિંગ સેક્ટરમાં આ એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમીરોને વગર તપાસે કરોડો રૂપિયા આપી દેવા અને ગરીબ કે સામાન્ય વર્ગને નાની લોન માટે પણ વલખાં મરાવવા, તે બેન્કોની ભેદભાવભરી નીતિ દર્શાવે છે.

હવે બેન્કોએ પોતાની લોન આપવાની અને તેની વસૂલાત (રિકવરી) કરવાની પ્રક્રિયાને વધુ સરળ, નિષ્પક્ષ અને માનવીય બનાવવાની ખાસ જરૂર છે.એક તરફ દેશના સામાન્ય નાગરિકને પોતાની નાની-નાની વ્યક્તિગત જરૂરિયાતો માટે બેન્કમાંથી લોન લેવી હોય, તો લોઢાના ચણા ચાવવા પડે છે. અનેક ધક્કા અને કડક તપાસ બાદ પણ સામાન્ય માણસને લોન મળવી મુશ્કેલ બને છે. જ્યારે બીજી તરફ, મોટા માથાઓ કે કંપનીઓને કોઈ પણ પ્રકારની ઊંડી તપાસ વગર કરોડો રૂપિયાની લોન આસાનીથી પાસ કરી દેવામાં આવે છે.

બેન્કોની આ ભેદભાવભરી નીતિ સામે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે.આ વિવાદ હરિયાણાની એક કંપની સાથે જોડાયેલો છે. આ કંપનીએ વર્ષ ૨૦૧૯માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી ૮.૦૯ કરોડ રૂપિયાની મોટી લોન લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે, લોન જેવી પાસ થઈ કે તુરંત જ કંપનીએ તેનો એક પણ હપ્તો ચૂકવ્યો ન હતો. પરિણામે, ટૂંક સમયમાં જ બેન્ક દ્વારા આ લોનની રકમને એનપીએ જાહેર કરવી પડી હતી.

આટલા વર્ષાે સુધી હાથ અધ્ધર રાખ્યા બાદ, હવે આશરે ૬ વર્ષ પછી કંપની કોર્ટના શરણે પહોંચી છે. કંપનીએ કોર્ટમાં એવી દલીલ કરી કે તે વ્યાજ વગર માત્ર મૂળ રકમ જ ચૂકવવા તૈયાર છે. જોકે, સુપ્રીમ કોર્ટે કંપનીની આ ચાલાકી ભરેલી માંગને સખત શબ્દોમાં ફગાવી દીધી છે અને કંપનીની આવી શરતો માનવાનો સાફ ઇનકાર કરી દીધો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.