Western Times News

Gujarati News

અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં ચૂક

હેલીપેડ પાસે આગ લાગી

ફાયર બ્રિગેડના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસ દ્વારા થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો

અયોધ્યા,અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં ચૂકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અયોધ્યામાં રામ કથા પાર્ક ખાતેના હેલીપેડમાં આગ લાગી હતી. જેની બાદ સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ શુક્રવારે બપોરે ૨ઃ૪૦ વાગ્યે, મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ચૌધરી ચરણ સિંહ ઘાટ નજીક હેલિપેડ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. તેમજ તેઓ સરયુ ગેસ્ટ હાઉસ માટે રવાના થયા હતા. આ સમય દરમિયાન અચાનક હેલિપેડની આસપાસની સૂકી ઝાડીઓમાં આગ ફેલાઈ ગઈ હતી.

આ અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરના ઉતરાણ પહેલાં ઉપયોગમાં લેવાતા ધુમાડાના સિગ્નલમાંથી નીકળતા તણખા ભારે પવનને કારણે આસપાસના સૂકા ઘાસ અને ઝાડીઓમાં ફેલાઈ ગયા હતા. જેના કારણે આગ વધુ તીવ્ર બની હતી. તેમજ હેલિપેડને અડીને આવેલા આશરે ૧૫ મીટરના વિસ્તારમાં આગ ફેલાઈ હતી. જેમાં પાણીનો ઉપયોગ કરીને આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જયારે ફાયર વિભાગે ત્યારબાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસ દ્વારા થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. અયોધ્યાના સીઓ આશુતોષ તિવારીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હતી અને આગ ફેલાતા પહેલા જ તેને કાબુમાં લેવામાં આવી હતી. જોકે, મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળ નજીક બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.