Western Times News

Gujarati News

રિષભ શેટ્ટીની ‘છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મ હવે બે ભાગમાં બનશે

કંતારા પછી આ ફિલ્મનું બજેટ હવે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અહેવાલ

ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ ૨૦૨૮માં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ ૨૦૨૯માં દર્શકો સમક્ષ આવશે

મુંબઈ,નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રિષભ શેટ્ટી હવે ભારતીય ઇતિહાસના સૌથી પ્રેરણાદાયી અને મહાન શાસકોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજના જીવનને ભવ્ય ફિલ્મી સ્વરૂપ આપવા તૈયાર છે. તેમની આગામી ઐતિહાસિક ફિલ્મ ‘ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’ અંગે એક મોટી અપડેટ સામે આવ્યું છે. તે અંગેના અહેવાલો અનુસાર, શરૂઆતમાં એક જ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ હવે બે ભાગમાં રજૂ કરવામાં આવશે.

નિર્માતાઓએ આ મહાકાય કથાને વધુ વિસ્તૃત રીતે રજૂ કરવા માટે તેને બે ફિલ્મોમાં વહેંચવાનો નિર્ણય લીધો છે.માહિતી મુજબ, ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ ૨૦૨૮માં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ ૨૦૨૯માં દર્શકો સમક્ષ આવશે.અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટનું અંદાજિત બજેટ ૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે, જે ભારતીય સિનેમાના સૌથી મોંઘા અને ભવ્ય ઐતિહાસિક પ્રોજેક્ટ્‌સમાં સ્થાન મેળવી શકે છે.ફિલ્મનું મોટા પ્રમાણમાં શૂટિંગ મહારાષ્ટ્રમાં કરવામાં આવશે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજે પોતાના સ્વરાજ્યની સ્થાપના કરી હતી અને તેમના જીવનની અનેક ઐતિહાસિક ઘટનાઓ બની હતી.

આ ફિલ્મ અંગેના અહેવાલો મુજબ, રીષભ શેટ્ટી હાલ દિગ્દર્શક પ્રશાંત વર્માની ફિલ્મ ‘જય હનુમાન’માં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું કામ પૂર્ણ થયા બાદ તે ‘છત્રપતિ શિવાજી મહારાજ’ના શૂટિંગમાં જોડાશે. રીષભ શેટ્ટી માટે આગામી વર્ષાેમાં ખૂબ વ્યસ્ત રહેવાના છે. ‘કાંતારા’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા બાદ તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે. હવે ૨૦૨૭માં ‘જય હનુમાન’ અને ત્યારબાદ ૨૦૨૮ તથા ૨૦૨૯માં ‘છત્રપતિ શિવાજી મહારાજ’ના બંને ભાગો રિલીઝ થવાના છે.ફિલ્મમાં રીષભ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

તેની સાથે વિવેક ઓબેરોય મુઘલ બાદશાહ ઔરંગઝેબના પાત્રમાં જોવા મળશે, જ્યારે શેફાલી શાહ રાજમાતા જિજાબાઈની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત આશા ભોંસલેની પૌત્રી ઝનાઈ ભોસલે ફિલ્મમાં મહારાણી સાઈ ભોસલેના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની ટેન્કિકલ ટીમ પણ ખૂબ મજબૂત છે. જાણીતા સિનેમેટોગ્રાફર રવિ વર્મન, સંગીતકાર પ્રીતમ ચક્રવર્તી, ગીતકાર પ્રસૂન જોશી, ઓસ્કાર વિજેતા સાઉન્ડ ડિઝાઇનર રસૂલ પૂકુટ્ટી, એક્શન ડિરેક્ટર ક્રેગ મેક્રે અને એડિટર ફિલોમિન રાજ જેવા દિગ્ગજો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. તે ઉપરાંત નિર્માતાઓ આ ફિલ્મને માત્ર ભારત પૂરતી મર્યાદિત રાખવા માંગતા નથી.

‘ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’ને સાત ભાષાઓમાં વૈશ્વિક સ્તરે રિલીઝ કરવાની યોજના છે. થોડા સમય પહેલા રીષભ શેટ્ટીનો છત્રપતિ શિવાજી મહારાજના અવતારમાં ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો, જેને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.SS1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.