Western Times News

Gujarati News

રામમંદિરમાં ૨૦૦ કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો ?

૫ વર્ષે પણ પહોંચ ન મળ્યાનો કોણે કર્યાે દાવો

રામ મંદિરમાં દાનમાં હેરાફેરીના આરોપો સામે આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ મામલાની તપાસ હાથ ધરી 

અયોધ્યા, અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં હવે સિંધી સમાજ પણ જોડાયો છે. સિંધી સમાજે વર્ષ ૨૦૨૧માં રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરેલી ૨૦૦ કિલો ચાંદીની ઈંટો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ સિંધી સેવા સંગમના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજુ મનવાનીનો આરોપ છે કે તેમણે દાનમાં આપેલી આટલી મોટી માત્રામાં ચાંદીની આજ દિન સુધી કોઈ સત્તાવાર રસીદ કે માહિતી ટ્રસ્ટ તરફથી આપવામાં આવી નથી.

ડૉ. રાજુ મનવાનીના જણાવ્યા અનુસાર, વિશ્વભરના સિંધી સમાજના સહયોગથી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ૨૦૦ ચાંદીની ઈંટો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને સોંપવામાં આવી હતી. આ ઈંટો પર સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલની તસવીર પણ અંકિત હતી. કારસેવક પુરમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૧૨ દેશોમાંથી સિંધી સમાજના પ્રતિનિધિઓ ખાસ અયોધ્યા પહોંચ્યા હતા.

ડૉ. મનવાનીએ આ કાર્યક્રમની તસવીરો પણ શેર કરી છે.સિંધી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે જ્યારે તેમણે આ ઈંટો દાનમાં આપી ત્યારે ટ્રસ્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે ચાંદીની શુદ્ધતાની તપાસ કર્યા બાદ તેની સત્તાવાર રસીદ આપવામાં આવશે. જો કે, ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી કોઈ રસીદ મળી નથી.

તાજેતરમાં રામ મંદિરમાં દાનને લઈને મીડિયામાં ચાલી રહેલા સમાચારો બાદ સિંધી સમાજની ચિંતા વધી ગઈ છે. આ ગંભીર મુદ્દે સિંધી સમાજનું એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને રજૂઆત કરવાનું છે.રામ મંદિરમાં દાનમાં હેરાફેરીના આરોપો સામે આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ આ મામલાની તપાસ હાથ ધરી છે. તપાસ શરૂ થતાં જ કેટલાક લોકોએ પોતાને રામજન્મભૂમિના પૂર્વ કર્મચારી ગણાવીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક વ્યક્તિએ તો પોતાને પૂર્વ એન્જિનિયર ગણાવીને મંદિરના નિર્માણ કાર્યમાં પણ મોટા પાયે કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે.

આ સિવાય, રોકડિયા હનુમાન મંદિરના પીઠાધીશ્વર આચાર્ય વિનોદ મિશ્રાએ પણ આરોપ લગાવ્યો છે કે તેમના એક શિષ્ય દ્વારા રામલલાને સોનાનો હાર અને ચરણ પાદુકા અર્પણ કરવામાં આવ્યા હતા, જેની રસીદ એક વર્ષ પછી પણ મળી નથી.અત્યાર સુધીની તપાસમાં SIT સામે ઘણી ચોંકાવનારી વિગતો આવી છે અને તેનો પ્રાથમિક રિપોર્ટ હેડક્વાર્ટર મોકલી દેવાયો છે. સોશિયલ મીડિયા પર સૌથી પહેલા મહિપાલ નામના વ્યક્તિએ પૂર્વ કર્મચારી હોવાનો દાવો કરીને દાનની રકમમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો, જો કે તે એક વાર નિવેદન આપ્યા બાદ ગાયબ થઈ ગયો છે.

હવે SIT તપાસના બીજા તબક્કામાં સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ટ્રસ્ટ પર આક્ષેપો કરનારા તમામ લોકોની કડક પૂછપરછ કરશે, જેથી જાણી શકાય કે આ દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે. આ તપાસ બાદ અયોધ્યામાં કોઈ મોટી કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.