ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક: જળસપાટી ૧૨૬.૭૯ મીટરે પહોંચી
File Photo
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સીધું સરદાર સરોવર ડેમમાં આવી રહ્યું છે,
નર્મદા (કેવડિયા): ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ એરિયા અને ઉપરવાસમાં થઈ રહેલા સાનુકૂળ વરસાદને કારણે રાજ્ય માટે રાહતના અને આનંદના સમાચાર આવ્યા છે. મધ્યપ્રદેશમાં આવેલા ડેમોમાંથી સતત પાણી છોડાવાના કારણે કેવડિયા સ્થિત નર્મદા ડેમની જળસપાટીમાં સતત પ્રગતિશીલ વધારો નોંધાઈ રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા ડેમના ઉપરવાસમાંથી ૧૬,૭૫૫ ક્યુસેક પાણીની બમ્પર આવક નોંધાઈ છે. આ આવક પાછળનું મુખ્ય કારણ મધ્યપ્રદેશમાં આવેલી જળ પરિયોજનાઓ છે. ઉપરવાસમાં વરસાદના કારણે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સીધું સરદાર સરોવર ડેમમાં આવી રહ્યું છે, જેના કારણે પાણીની આવક સતત ચાલુ છે.
પાણીની આ વિપુલ આવકના પગલે નર્મદા ડેમની વર્તમાન જળસપાટી વધીને ૧૨૬.૭૯ મીટરે પહોંચી ગઈ છે. હાલની સ્થિતિએ ડેમ તેની કુલ ક્ષમતાના આશરે ૫૭ ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે અને તેમાં ૩,૩૨૪ MCM (મિલિયન ક્યુબિક મીટર) જેટલો લાઈવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે.
ઉનાળાની વિદાય અને ચોમાસાના પ્રારંભિક ચરણ વચ્ચે ડેમમાં પાણીની આ આવક આગામી સમય માટે પાણીની સુરક્ષા મજબૂત કરે છે. ખેડૂતોની સિંચાઈની જરૂરિયાત અને નાગરિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નર્મદાની મુખ્ય નહેરમાં (કેનાલ)પાણી છોડાઈ રહ્યું છે.
આ ધરખમ આવકના પગલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જળાશયો તેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ભરવામાં પણ મોટી મદદ મળશે. જો ઉપરવાસમાંથી પાણીની આવી જ આવક ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં ડેમની સપાટીમાં હજી વધુ મોટો ઉછાળો જોવા મળી શકે છે.
