નમો લક્ષ્મી યોજના થકી ગત એક વર્ષમાં વર્ગખંડોમાં 80% હાજરી આપનારી વિદ્યાર્થિનીઓની સંખ્યા 1,71,988 થી વધીને 2,96,495 થઈ, 73%નો વધારો
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી ગત એક વર્ષમાં વિજ્ઞાનના વર્ગોમાં 80થી 100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 19,324થી વધીને 43,533 થઈ, 125%નો વધારો
નમો લક્ષ્મી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ₹ 1664.06 કરોડ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ₹290 કરોડની સહાય ચૂકવવામાં આવી
*ગાંધીનગર, 22 જૂન, 2026:* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નમો લક્ષ્મી યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીનું મોનિટરિંગ કરવામાં આવે છે, જે મુજબ મુજબ શાળાઓમાં ધો-9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ 2025-26માં 2,96,495 થઇ છે, એટલે કે ગત એક 73%નો વધારો દર્શાવે છે.
નમો લક્ષ્મી યોજનાની સાથે જ રાજ્યના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી થવાના પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, આ યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80 થી 100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા, 2024-25માં 19,324થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઇ છે, જે ગત એક વર્ષમાં લગભગ 125%નો વધારો સૂચવે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂક્યો છે. તેઓએ કહ્યું છે કે, ‘શિક્ષણમાં દેશને સફળ બનાવવાની, દેશનું ભાગ્ય બદલવાની તાકાત રહેલી છે.’ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રે કરેલી નક્કર કામગીરીના પગલે આજે ગુજરાતનું શિક્ષણ મોડલ બીજા રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું છે.
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો જે વ્યાપ વધ્યો છે, તેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમે મુખ્ય ભૂમિકા ભજવી છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે દર્શાવેલા પથ પર આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ નવતર યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
આર્થિક મુશ્કેલીઓને કારણે વિદ્યાર્થીઓનું શાળાકીય શિક્ષણ અટકે નહીં અને ધો-12 સુધીનો તેમનો અભ્યાસ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાઓ અમલી બનાવી છે.
નમો લક્ષ્મી યોજનાની અસરકારકતા
નમો લક્ષ્મી યોજના અમલી થવાથી વર્ગખંડોમાં વિદ્યાર્થિનીઓની હાજરીમાં સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. ધો-9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં ગત એક વર્ષમાં 1,24,507નો વધારો થયો છે, જ્યારે ગત એક વર્ષમાં ફુલ એટલે કે 100% હાજરી આપતી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં 62,059 નો વધારો જોવા મળ્યો છે.
આ યોજનાના પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીઓની સંખ્યા વર્ષ 2024-25માં 13,29,762 થી વધીને વર્ષ 2025-26 માં 13,91,308 (અંદાજે 4.63%નો વધારો) થઈ છે. ખાસ કરીને ધોરણ-12માં સૌથી વધુ 13.59%નો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે ઉચ્ચતર અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓ પ્રેરિત થઈ છે. વધુમાં, નમો લક્ષ્મી યોજના અંતર્ગત અત્યારસુધીમાં લાભાર્થીઓને કુલ ₹1664.06 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની અસરકારકતા
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી થયા પછી ગત એક વર્ષમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગખંડોમાં લગભગ 81 થી 99% હાજરી આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 24,209નો વધારો થયો છે, જે હાજર રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 125%નો વધારો સૂચવે છે.
આ યોજનાના પરિણામે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2024-25માં 2,40,556થી વધીને વર્ષ 2025-26 માં 2,55,804 (અંદાજે 6.34%નો વધારો) થઈ છે.
ખાસ કરીને ધોરણ-12માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 11.04%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ બાબત ગુજરાતના યુવાધનની વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે વધી રહેલી રૂચિ અને ઉત્સાહ દર્શાવે છે. વધુમાં, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ અત્યારસુધીમાં લાભાર્થીઓને કુલ ₹290 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આ બંને યોજનાઓનો ઉદ્દેશ રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુ ઉંચે લઇ જવાનો છે. નમો લક્ષ્મી યોજના સુનિશ્ચિત કરે છે કે, વધુ ને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે અને સાથે જ તેમના માનસિક અને શારીરિક વિકાસમાં કોઇપણ પ્રકારની ખામી ન રહે. જ્યારે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મદદરૂપ થઈ રહી છે.
રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે, તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047નું વડાપ્રધાનશ્રીનું વિઝન સાકાર થાય તે માટે ગુજરાત સરકાર પ્રયાસરત છે.
