Western Times News

Gujarati News

ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો ૩ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધપોત સમર્પિત

ત્રણેય જહાજો નૌકાદળની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આઈએનએસ દૂનાગિરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રય નૌકાદળમાં સામેલ

કોલકાતા, ભારતે પોતાની દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભારતીય નૌકાદળમાં ૩ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધપોતો – આઈએનએસ દૂનાગિરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રય ને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા છે. સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને નિર્મિત આ ત્રણેય જહાજો નૌકાદળની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.

આઈએનએસ દૂનાગિરી એ પ્રોજેક્ટ-૧૭-એ હેઠળ નિર્મિત પાંચમું સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ળિગેટ છે, જેને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ૬,૭૦૦ ટન વજન ધરાવતું આ યુદ્ધપોત ૩૦ નોટની ગતિએ દોડી શકે છે. તેની સૌથી મોટી વિશેષતા તેનું અત્યંત ઓછું રડાર ક્રોસ-સેક્શન છે, જે તેને દુશ્મનની નજરથી બચાવે છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્›ઝ મિસાઇલથી સજ્જ આ યુદ્ધપોત એકસાથે જમીન, હવા અને પાણીની અંદરના જોખમો સામે લડવા સક્ષમ છે. બીજી તરફ, આઈએનએસ સંશોધક એ ‘સર્વે વેસલ (લાર્જ)’ શ્રેણીનું ચોથું જહાજ છે.

આ યુદ્ધપોતનો મુખ્ય હેતુ દરિયાઈ મિશનને વધુ સચોટ બનાવવાનો છે. તે સમુદ્રની ઊંડાઈનો અભ્યાસ, હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગાેની મેપિંગ કરશે. આ જહાજ ૧૨,૦૦૦ કિલોમીટર સુધીની સતત મુસાફરી કરી શકે છે, જે માત્ર નૌકાદળ જ નહીં, પરંતુ નાગરિક વ્યાપાર અને દરિયાઈ આપત્તિ વ્યવસ્થાપન માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.ત્રીજું જહાજ આઈએનએસ અગ્રય એ સબમરીન વિરોધી યુદ્ધમાં માહિર છે.

તેમાં અત્યાધુનિક સોનાર સિસ્ટમ, હળવા વજનના ટોર્પિડો, સ્વદેશી રોકેટ લોન્ચર અને ૩૦-એમએમ નેવલ ગન જેવી ઘાતક શસ્ત્ર પ્રણાલીઓ લગાવવામાં આવી છે. આ યુદ્ધપોત સમુદ્રના પેટાળમાં છુપાયેલી દુશ્મનની સબમરીનને શોધવા અને તેને નિષ્ક્રિય કરવા માટે સજ્જ છે. તે ૨૫ નોટની ગતિ સાથે ૩,૩૦૦ કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે.ભારતીય નૌકાદળ હાલમાં લગભગ ૧૪૦ થી ૧૪૫ સક્રિય યુદ્ધપોતો ધરાવે છે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં આ આંકડો ૧૫૦ થી ૧૬૦ સુધી લઈ જવાનું લક્ષ્ય છે.

વૈશ્વિક વ્યાપારના ૯૦ ટકા હિસ્સો દરિયાઈ માર્ગે થતો હોવાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનું વર્ચસ્વ અનિવાર્ય છે. વિશાખાપટ્ટનમ, મુંબઈ, કારવાર અને અંદમાન-નિકોબાર કમાન્ડ દ્વારા ભારત પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. આ નવા યુદ્ધપોતો માત્ર શસ્ત્રો નથી, પરંતુ ‘આત્મનિર્ભર ભારત’ની સંરક્ષણ નીતિના પ્રતીક છે, જે ભવિષ્યમાં ભારતને સમુદ્રમાં એક અજેય શક્તિ બનાવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.