ફર્નિચરની આડમાં છુપાવેલા વિદેશી દારૂ સહિત ૩૮.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત
નારોલ પોલીસ ઊંઘતી રહી અને PCBએ રેડ પાડી દારુ ઝડપ્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા દારૂના વેપલાની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ અંધારામાં રહી અને પીસીબીએ બાતમીના આધારે સપાટો બોલાવીને મોટા પાયે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.
નારોલ રંગોલી નગર તરફ જવાના રસ્તે ટોરેન્ટ પાવર પાસે રોડ પરથી પસાર થતા એક શંકાસ્પદ વાહનને આંતરીને પોલીસે ફર્નિચરની આડમાં છુપાવેલા વિદેશી દારૂ સહિત ૩૮.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ પણ કરી છે.
બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા માટે એક નવો જ કીમિયો અપનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ જૂના અને તૂટી ગયેલા ફર્નિચર જેવા કે ટેબલ, ખુરશી અને લાકડાની શેટીની એક ખોટી ટ્રાન્સપોર્ટ બિલ્ટી બનાવી હતી.
આ ફર્નિચરની આડમાં જ હિમાચલ પ્રદેશના ર્પાસિંગવાળા વાહનમાં વિદેશી દારૂ છુપાવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો. પોલિસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આ ગાડીને રોકી તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૭૭ પેટીઓ મળી આવી હતી. પોલીસે ગાડીમાં સવાર હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના રમેશચંદ રામલાલ ઝુલાહા અને અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા જીતેન્દ્ર હરીરામ ચોરસીયા નામના બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
PCB દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં વિદેશી દારૂની ૫૮૬૮ નાની-મોટી બોટલો, ટાટા ગાડી, બે મોબાઈલ ફોન, જૂનું ફર્નિચર અને ખોટી બિલ્ટી મળીને કુલ ૩૮,૪૪,૯૪૪ નો માતબર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ગુનામાં સંડોવાયેલા અને હાલ પોલીસ પકડથી દૂર એવા અન્ય ચાર આરોપીઓ – હિમાચલ પ્રદેશના રણવીરસીંગ, ચંદીગઢના સુનીલ પુનીયા, ટાટા ૭૧૦ ગાડીના માલિક અને ખાનભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર અન્ય બુટલેગરોને પકડવા માટે કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.
