Western Times News

Gujarati News

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડી નવો બનાવાશે: પિલરમાં તિરાડો બાદ AMCનો નિર્ણય, બજેટ અને સમય વધશે

૫૩ વર્ષ જૂના સુભાષ બ્રિજના થાંભલામાં તિરાડો: રીપેરિંગ નહીં, હવે આખો બ્રિજ નવેસરથી બનશે!

(તસવીર ઃ જયેશ મોદી) (એજન્સી) અમદાવાદ, અમદાવાદના વાહનચાલકો અને નાગરિકો માટે એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી પર આવેલા અને શહેરના ઉત્તર ભાગને પૂર્વ તથા પશ્ચિમ વિસ્તાર સાથે જોડતા ઐતિહાસિક તેમજ ભારે ટ્રાફિકથી વ્યસ્ત રહેતા સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો એક મોટો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે, જૂના બ્રિજને હટાવીને હવે તેની જગ્યાએ તદ્દન નવો અને અત્યાધુનિક બ્રિજ બનાવવામાં આવશે.

તાજેતરમાં જ સુભાષ બ્રિજના પિલર એટલે કે મુખ્ય થાંભલાઓમાં મોટી અને ગંભીર તિરાડો જોવા મળી હતી, જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણીને તુરંત જ બ્રિજ એક્સપર્ટસની એક વિશેષ ટીમને તપાસ સોંપવામાં આવી હતી અને આ ટીમે આખા બ્રિજનું ઝીણવટભર્યું ટેકનિકલ નિરીક્ષણ કર્યું હતું.

એક્સપર્ટસની ટીમે સોંપેલા વિગતવાર તપાસ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બ્રિજના પિયર્સ (થાંભલાની ઉપરનું આડું માળખું) નું આયુષ્ય ૫૩ વર્ષ જેટલું થઈ ગયું છે અને સતત ભારે વાહનોના વહનને કારણે તેની આંતરિક મજબૂતાઈ હવે જોખમી સ્તરે પહોંચી ગઈ છે. તજજ્ઞોના મતે માત્ર ઉપરછલ્લું રિપેરિંગ કરવાથી ભવિષ્યનું જોખમ ટળી શકે તેમ ન હોવાથી, સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો છે કે જૂના પિયર્સ અને સબ-સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવે અને જનતાની સલામતી માટે નવો જ બ્રિજ તૈયાર કરવામાં આવે.

આ મોટા નિર્ણયને કારણે હવે પ્રોજેક્ટના બજેટ અને સમયગાળામાં પણ અધધ વધારો થવાની સંભાવના છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજના માત્ર રિપેરિંગ અને સુધારાના કામ માટે આશરે ૨૩૬ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું અને આ કામ ૯ મહિનામાં પૂરું કરવાનો અંદાજ હતો.

પરંતુ હવે જ્યારે આખો બ્રિજ નવેસરથી બનાવવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે આ પ્રોજેક્ટના કુલ ખર્ચમાં મોટો વધારો નોંધાશે અને કામ પૂરું થવાના સમયગાળામાં પણ નોંધપાત્ર વધારો થશે, જે અગાઉના ૯ મહિના કરતાં ઘણો વધુ સમય લઈ શકે છે.

હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમ દ્વારા આ નવા મેગા પ્રોજેક્ટના તમામ ટેકનિકલ પાસાઓ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વિશ્લેષણમાં બ્રિજના નવા પ્રોજેક્ટનો ચોક્કસ ફાઈનલ કોસ્ટ, કામ પૂરું કરવાનો સમયગાળો, સંપૂર્ણ પ્રોજેક્ટ લાઇફ અને આગામી દાયકાઓનો ટ્રાફિક ઝીલી શકે તેવી નવી આધુનિક ડિઝાઇન સહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકનું સંશોધન ચાલી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.