CA ઇન્ટરમીડિયેટમાં ટોપ ૫૦માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા!
(એજન્સી)અમદાવાદ, ઇન્સ્ટિટ્યૂટ આૅફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આૅફ ઇન્ડિયા દ્વારા સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે આૅલ ઇન્ડિયા લેવલે બંને ગ્રુપનું પરિણામ ૮.૪૭%, માત્ર ગ્રુપ-૧નું ૧૦.૨૫% અને ગ્રુપ-૨નું પરિણામ ૧૬.૧૧% રહ્યું છે.
અમદાવાદ બ્રાન્ચે આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમદાવાદ બ્રાન્ચમાં બંને ગ્રુપનું પરિણામ ૬.૫૫%, ગ્રુપ-૧નું ૯.૦૯% અને ગ્રુપ-૨નું પરિણામ ૨૧.૯૦% આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ જાન્યુઆરીમાં બંને ગ્રુપનું પરિણામ ૧૩.૧૯% હતું, જેની સરખામણીએ આ વખતે પરિણામ ૬.૫૫% રહ્યું છે.
આ પરિણામમાં અમદાવાદના ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા લેવલે ટોપ ૫૦માં સ્થાન મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આૅલ ઇન્ડિયામાં ૫મો રેન્ક મેળવનારા મોક્ષ રાઠોડે જણાવ્યું કે, ‘સીએ ફાઉન્ડેશનમાં મારો ૮મો રેન્ક હતો, તેથી ઇન્ટરમીડિયેટમાં પણ ટોપ રેન્ક લાવવાનો મારો લક્ષ્યાંક હતો.
મેં જે.કે. શાહ ક્લાસીસમાં વહેલા જોડાઈને રોજનું રોજ રિવિઝન કરવાની ટેવ પાડી હતી. છેલ્લા ત્રણ મહિના મેં લાઈબ્રેરીમાં રોજ ૮થી ૧૦ કલાક સેલ્ફ સ્ટડી કરી છે. અભ્યાસને પ્રાધાન્ય આપવા મેં પરિવારના કેટલાક પ્રસંગો અને લગ્નો પણ જતા કર્યા હતા. છતાં, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટના કારણે મેં ક્લાસીસમાં જ મિત્રો સાથે તહેવારોની ઉજવણી કરી હતી.’
મોક્ષના દાદા અને પપ્પા બંને પ્રેક્ટિસિંગ સીએ છે, એટલે તે પરિવારમાંથી ત્રીજી પેઢીનો સીએ બનશે. તેની માતાએ કોમ્પ્યુટર કોર્સ કરેલો છે અને તેનો ભાઈ મિકેનિકલ એન્જિનિયર બનીને ગૂગલમાં જોડાવા જઈ રહ્યો છે.
મોક્ષ ભવિષ્યમાં ટેક્સેશન ક્ષેત્રે આગળ વધવા માંગે છે અને ‘બિગ ફોર’ કંપનીમાં મર્જર એન્ડ એક્વિઝિશન જેવા ફિલ્ડમાં આર્ટિકલશિપ કરવાની ઈચ્છા ધરાવે છે.
સીએ ફાઇનલમાં પણ ટોપ ૧૦માં આવવાનું તેનું લક્ષ્ય છે. ૪૮૪ માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયામાં ૧૦મો રેન્ક પ્રાપ્ત કરનાર સ્તુતિ ગોયન્કાએ જણાવ્યું કે, ‘આ સફળતા પાછળ દરરોજ ૧૦થી ૧૨ કલાકની નિયમિત અને સંપૂર્ણ શિસ્તબદ્ધ મહેનત રહેલી છે. આ સફરમાં મારા પરિવારે પણ ઘણાં બલિદાન આપ્યા છે.
