Western Times News

Gujarati News

Monsoon Session: સંસદમાં પહેલા જ દિવસે વંદે માતરમ બિલ લાવી શકે છે સરકાર?

ટીએમસીના ૨૦ બળવાખોર સાંસદોને સામેલ કરતાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, ડીએમકે સહિત ૪૦ પક્ષોના નેતાઓએ વિરોધ કર્યો

નવી દિલ્હી, કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ રવિવારે કહ્યું કે, સરકાર વિરોધ પક્ષની વાત સાંભળવા તૈયાર છે. તેમણે આશા વ્યક્ત કરી કે રાષ્ટ્રીય રાજધાનીમાં બોલાવવામાં આવેલી તમામ પક્ષોના ફ્‌લોર લીડર્સની બેઠકમાં વિરોધ પક્ષ પણ સકારાત્મક વલણ અપનાવશે.

સર્વપક્ષીય બેઠક પહેલાં પત્રકારો સાથે વાત કરતાં રિજિજૂએ જણાવ્યું કે, સત્ર દરમિયાન સંસદનું કામકાજ સરળતાથી ચાલે તે માટે સરકારે ફ્‌લોર લીડર્સની બેઠક બોલાવી છે. બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના બાગી સાંસદોને આમંત્રિત કરવા અંગે પણ તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, નિયમો મુજબ જ તૃણમૂલ કોંગ્રેસના સાંસદોને બેઠકમાં સ્થાન આપવામાં આવ્યું છે.

રિજિજૂએ કહ્યું કે, સંસદનું ચોમાસુ સત્ર ૨૦ જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. સરકારે આજે તમામ પક્ષોના ફ્‌લોર લીડર્સની બેઠક બોલાવી છે. અમે તમામ રાજકીય પક્ષોને અપીલ કરીએ છીએ કે તેઓ આ ચોમાસુ સત્રને સરળતાથી ચલાવવામાં સહયોગ આપે. સંસદ સૌની છે. સરકાર જે વિધેયક અને અન્ય વિધાનકારી કામકાજ રજૂ કરવા માગે છે, તેમાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષ બંનેના સભ્યો રચનાત્મક રીતે ભાગ લેશે તેવી મને આશા છે.

સંસદ જેટલી સારી રીતે કામ કરશે, તેટલો દેશને લાભ થશે. કિરેન રિજિજૂએ તમામ પક્ષોને અર્થપૂર્ણ સત્ર માટે સાથે મળીને કામ કરવાની અપીલ પણ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, હું ફરી એકવાર તમામ પક્ષોના નેતાઓને અપીલ કરું છું કે તેઓ સંસદનું કામકાજ સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કરે અને તેમાં પોતાનો ફાળો આપે. અમે વિરોધ પક્ષની વાત સાંભળીશું અને આશા રાખીએ છીએ કે તેઓ પણ અમારી વાત સાંભળશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહ, સ્વાસ્થ્યમંત્રી જે.પી. નડ્ડા, સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂ અને કાયદા રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ સંસદ એનેક્સીમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી રહ્યા છે. આ બેઠકમાં ભાગ લેવા પહોંચેલા વિરોધ પક્ષના સાંસદોનો મિજાજ જોકે ખાસ સારો જોવા મળ્યો નહોતો. રાજ્યસભાના સાંસદ જ્હોન બ્રિટાસે સ્પીકરની કચેરીની કામગીરીની ટીકા કરતાં આરોપ લગાવ્યો કે હવે તે સ્વતંત્ર રીતે કામ કરતી નથી.

સર્વપક્ષીય ફ્‌લોર લીડર્સની બેઠક પહેલાં બ્રિટાસે કહ્યું કે, સ્પીકર હવે સત્તાધારી પક્ષ માટે કબજો, વિલય અને ટેકઓવરનું સાધન બની ગયા છે. સંસદના સ્વતંત્ર સંરક્ષક અથવા કાયદાના રક્ષક જેવી કોઈ વ્યવસ્થા હવે રહી નથી. સ્પીકર સત્તાધારી પક્ષના હાથની કઠપૂતળી બની ગયા છે.

શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં મોટો વિવાદ ઉભો થયો છે. બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, ડીએમકે સહિત ૪૦ પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ ના ૨૦ બળવાખોર સાંસદોને સામેલ કરતા વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે વિપક્ષના નેતાઓ વોકઆઉટ કરી ગયા છે.

વિપક્ષોએ આક્ષેપ કર્યો છે કે, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ હજુ સુધી ટીએમસીના બળવાખોર જૂથને માન્યતા આપી નથી, છતાં કેન્દ્ર સરકારે તેમના ૨૦ બળવાખોર સાંસદોને બેઠકમાં કેમ બોલાવ્યા?

બીજીતરફ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, સર્વપક્ષીય બેઠકમાં સારી ચર્ચા થઈ છે, તમામ નેતાઓએ પોતપોતાની રજૂઆત કરી છે. કોઈપણ અડચણ વગર ગૃહની કામગીરી ચાલુ રહે, તે આપણા બધાની જવાબદારી છે. સંસદનું ચોમાસુ સત્ર ૨૦ જુલાઈથી ૧૩ ઓગસ્ટ સુધી યોજાવાનું છે.

આ દરમિયાન કુલ ૧૯ બેઠકો યોજાવાની છે. રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર સત્રના પહેલા જ દિવસે એટલે કે સોમવારે વંદે માતરમનું બિલ રજૂ કરી શકે છે. ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ વિપક્ષઓે સર્વપક્ષીય બેઠકમાં વોકઆઉટ કર્યું છે.

સંસદની સત્તાવાર યાદીમાં અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ ની સંખ્યા ૨૮ લખવામાં આવી છે, જ્યારે ટીએમસીમાંથી બળવો કરનાર ૨૦ સાંસદોની ગેર-માન્યતા પ્રાપ્ત એનસીપીઆઈ નામની પાર્ટીને સ્પીકરે મંજૂરી આપી નથી અને તેમની અયોગ્યતાની અરજી પણ પેન્ડિંગ છે,

છતાં તેઓને બેઠકમાં કેમ બોલાવાયા? નિયમોમાં ૯૧માં સંશોધન બાદ કોઈ જુદા જૂથને સામેલ કરવાનો કોઈ નિયમ જ નથી, તો પછી સંસદીય કાર્યમંત્રીએ ૨૦ બળવાખોર સાંસદોને કયા કારણોસર બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. આના વિરોધમાં વિપક્ષે બેઠકનો બહિષ્કાર કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.