રામોલ બ્લાસ્ટ કેસમાં ખુલાસોઃ ગણેશ મહોત્સવને લઈને ફટાકડાનું ગેરકાયદે ઉત્પાદન થતું હતું
મુખ્ય આરોપી મેહુલ ડોડીયા સાબરમતીથી અંતે ઝડપાયો-રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં મોતને ભેટેલા સંજેલીના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના અંતિમ સંસ્કાર કરાયા
અમદાવાદ, રામોલ વિસ્તારમાં ૧૮મી જુલાઈના રોજ એક ખેતરમાં પતરાના શેડમાં ચાલતી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ મામલે પોલીસે એક અત્યંત ચોંકાવનારો ઘટસ્પોટ કર્યો છે.
આ ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૫ લોકો હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીનું લાયસન્સ ગત ચોથી માર્ચના રોજ જ પૂર્ણ થઈ ગયું હોવાથી તંત્ર દ્વારા તેને સદંતર બંધ કરાવી દેવામાં આવી હતી.
જોકે, છેલ્લા ૨૦થી ૨૫ દિવસ દરમિયાન સમગ્ર પોલીસ તંત્ર રથયાત્રાના ચુસ્ત બંદોબસ્તમાં વ્યસ્ત હતું, જેનો ગેરલાભ લઈને મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને તેના સાથીદારોએ દાહોદથી ગરીબ શરમિકોને લાવીને આગામી ગણેશ વિસર્જનના મોટા ઓર્ડર પૂરા કરવા માટે છૂપી રીતે ફરીથી દારૂખાનું બનાવવાનું જોખમી કામ શરૂ કરી દીધું હતું અને તે દરમિયાન જ આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.
અમદાવાદની રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં મોતને ભેટેલા સંજેલીના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના અંતિમ સંસ્કાર કરાયા#RamolBlast #DahodNews #Tragedy #GujaratNews #Sanjeli pic.twitter.com/951m54yG6k
— DD News Gujarati (@DDNewsGujarati) July 20, 2026
ઘટનાની જાણ થતાં જ પોલીસ, રેપિડ એક્શન ફોર્સ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ અને એલજી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ તેમના શવને પોલીસ બંદોબસ્ત સાથે દાહોદના સંજેલી, કપડવંજ, ઉમરેઠ અને રામોલ ખાતે તેમના વતનમાં મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા રમિલાબહેન ડોડિયા અને સાદિક સૈયદની ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ ૨૦૧૪માં પણ જ્યારે રમિલાબહેન આ ફેક્ટરી ચલાવતા હતા ત્યારે એક બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને લાયસન્સ રદ કરાયું હતું, ત્યારબાદ ૨૦૨૦માં દીકરાના નામે નવું લાયસન્સ લેવાયું હતું જે હાલ રિન્યુ નહોતું.

એફએસએલના અહેવાલ મુજબ ફેક્ટરીમાં નિયમ કરતાં વધુ કેમિકલનો જથ્થો હતો અને મજૂરોનો કોઈ વીમો પણ નહોતો. હવે તંત્ર દ્વારા આ જમીનના મૂળ માલિક અને ફાઇનાન્સરની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા આવા ૪૦થી ૪૫ જેટલા ગેરકાયદે બાંધકામો અને બંધ ફેક્ટરીઓ સામે બુલડોઝરની મોટી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં સૌથી વધુ પ્રભાવિત દાહોદના સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામનો શ્રમિક પરિવાર થયો છે. ગણેશ ચતુર્થીના તહેવાર માટે ફટાકડા બનાવવાનો ઓર્ડર મળ્યો હોવાથી, છેલ્લા ૨૦ થી ૨૫ દિવસથી જ દાહોદ તરફથી શ્રમિકો લાવીને અહીં કામ શરૂ કરાયું હતું. બ્લાસ્ટમાં એક જ પરિવારના ૭ લોકોના કાળમુખા મોતના સમાચારથી વતન દાહોદમાં માતમ છવાઈ ગયો છે.
મૃતકોમાં ૩૫ વર્ષીય રમીલાબેન ભરતભાઈ અને તેમના ૭, ૫, ૪ તેમજ ૩ વર્ષના માસૂમ બાળકો (રીંકુબેન, શિવાનીબેન, રવિનાબેન અને નીરવકુમાર) શામેલ છે. જ્યારે ભરતભાઈ વરસીંગભાઇ ચારેલ ગંભીર રીતે દાઝી જતાં હાલ સારવાર હેઠળ છે. વતનમાં એકસાથે અર્થીઓ ઉઠતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અંતિમ સંસ્કાર સમયે મામલતદાર અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરી મેહુલ ડોડીયા નામનો શખ્સ ચલાવતો હતો અને તેની માતા રમીલાબેન તેનું સંચાલન કરતી હતી, જ્યારે સાદિક નામનો વ્યક્તિ તેનો ભાગીદાર છે. આ જગ્યાનો ઇતિહાસ પણ કાળો રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં પણ જ્યારે રમીલા અહીં ફેક્ટરી ચલાવતી હતી, ત્યારે આગ લાગી હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું. એ સમયે રમીલાના નામે લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ સુધરવાને બદલે દીકરા મેહુલના નામે ફરી લાયસન્સ પ્રક્રિયા શરૂ કરીને આ કાળો કારોબાર ચાલુ રાખવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, ફટાકડા ફેક્ટરીના લાયસન્સ માટે ફાયર એન.ઓ.સી., જમીનની યોગ્ય ચકાસણી અને સ્કેચર સર્ટિફિકેટ જેવા કાયદાકીય દસ્તાવેજો જરૂરી હોય છે, જે આ કેસમાં નેવે મૂકવામાં આવ્યા હતા. કામદારોનો કોઈ ઈન્સ્યોરન્સ પણ લેવાયો નહોતો અને ગેરકાયદેસર રીતે મજૂરો લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં જમીન માલિકની સંડોવણી પણ સામે આવી છે.
