Western Times News

Gujarati News

રામોલની ગેરકાયદે ફટાકડા ફેક્ટરીથી 25 ફૂટ દૂર રસોડામાં ગેસના બાટલા હતા

(એજન્સી) અમદાવાદ,અમદાવાદના રામોલમાં એસ.પી. રિંગ રોડ નજીક મહેમદપુરા ખાતે કેનાલ કિનારે ધમધમતી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે (૧૮ જુલાઈ) બપોરે થયેલા ભયાનક બ્લાસ્ટને ૨૪ કલાક વીતી ગયા છે. આ દુર્ઘટનામાં ૯ નિર્દોષ કારીગરોનો જીવ હોમાઈ ગયો છે.

સવારથી જ પોલીસે સમગ્ર ઘટના સ્થળને કોર્ડન કરી લીધું છે અને અલગ-અલગ એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અકસ્માતની ભયાનકતાનો તાગ મેળવવા અમારી ટીમે બીજા દિવસે ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

ધડાકો એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનું એક મોટું લોખંડનું પતરું હવામાં ફંગોળાઈને સીધું કેનાલના સામા કિનારે જઈને પડ્યું હતું. જો આટલું વજનદાર પતરું આટલે દૂર ફેંકાઈ શકતું હોય, તો બ્લાસ્ટ વખતે અંદર કામ કરી રહેલા મજૂરોની શું હાલત થઈ હશે? તે વિચારીને જ કંપારી છૂટી જાય છે. હાલ ઘટના સ્થળે વિખરાયેલાં ટિફિન, સૂકાતા કપડાં અને ફટાકડાના પેકિંગના કાગળો વચ્ચે એક ભયાનક સન્નાટો છવાયેલો છે.

રૂપિયા કમાવવાની લ્હાયમાં ફેક્ટરી માલિકોની મોટી બેદરકારી પણ સામે આવી છે. જ્યાં વિસ્ફોટક દારૂખાનું રાખવામાં આવતું હતું, ત્યાંથી માત્ર ૨૦ થી ૨૫ ફૂટના અંતરે એક નાનકડી ઓરડીમાં કારીગરોના રહેવા-જમવાની વ્યવસ્થા હતી. આ ઓરડીમાં ગેસનો બાટલો, ચૂલો, વાસણો અને ખાટલા હજુ પણ એમને એમ જ પડ્યા છે. જીવના જોખમે કામ કરતા આ ગરીબ મજૂરો પાસે હેન્ડ ગ્લોવ્ઝ કે પૂરતા અગ્નિશામક સાધનો જેવી પ્રાથમિક સુરક્ષા પણ નહોતી.

આ દુર્ઘટના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મેહુલ ડોડીયા, તેની માતા રમીલાબેન ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદ સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. જોકે, ગરીબી અને લાચારીના કારણે જીવ ગુમાવનારા આ ગરીબ પરિવારોને ન્યાય અને યોગ્ય વળતર ક્્યારે મળશે? તે મોટો સવાલ છે.

અમદાવાદ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યાનુસાર, આ ફેક્ટરીનું લાયસન્સ ગત ચોથી માર્ચના રોજ પૂર્ણ થઈ ગયું હોવાથી તંત્ર દ્વારા તેને સદંતર બંધ કરાવી દેવામાં આવી હતી. જો કે, છેલ્લા ૨૦થી ૨૫ દિવસ દરમિયાન પોલીસ તંત્ર રથયાત્રાના ચુસ્ત બંદોબસ્તમાં વ્યસ્ત હતું, જેનો લાભ લઈને સંચાલકોએ દાહોદથી શ્રમિકો લાવીને ગેરકાયદે રીતે ફરીથી દારૂખાનું બનાવવાનું શરૂ કરી દીધું હતું. ગણેશ વિસર્જન માટે મળેલા મોટા ઓર્ડર પૂરા કરવા માટે એક ટીન શેડમાં કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.