Western Times News

Gujarati News

Nirav Modi Case: બેંક ઓફ ઈન્ડિયા લંડન કોર્ટમાં ૧૦૦ કરોડનો કેસ જીતી, ચૂકવવો પડશે દંડ

  • નીરવ મોદીને લંડન હાઈકોર્ટમાંથી મોટો આંચકો, પરર્સનલ ગેરંટી હેઠળ ચૂકવવા પડશે ૪.૧ મિલિયન ડોલર

  • Nirav Modi London Court Verdict: ભગોડા હીરા વેપારી નીરવ મોદી સામે બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાનૂની જીત

(એજન્સી)નવી દિલ્હી, પંજાબ નેશનલ બેંક કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને ભારતના ભગોડા હીરા વેપારી નીરવ મોદીને લંડન હાઇકોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. લંડનની સર્કિટ કોમર્શિયલ કોર્ટના જજ સાયમન ટિંકલરે મંગળવારે પબ્લિક સેક્ટરની બેંક ઓફ ઇન્ડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો છે.

બેંક ઓફ ઇન્ડિયાએ લંડન કોર્ટમાં નીરવ મોદી વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો કેસ જીતી લીધો છે. અદાલતે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે નીરવ મોદી પર બેંકની આ રકમ બાકી નીકળે છે અને તેણે આ નાણાં ચૂકવવા જ પડશે.

ચુકાદો સંભળાવતા જજ સાયમન ટિંકલરે જણાવ્યું હતું કે, ‘નીરવ મોદી બેંકને આપવામાં આવેલી પર્સનલ ગેરંટી હેઠળ ૪.૧ મિલિયન ડોલર (આશરે ૩૮.૯ કરોડ રૂપિયા) ની મૂળ રકમ ચૂકવવા માટે જવાબદાર છે.

આ રકમ પર બેંકના નિયમો અનુસાર ગણતરી કરાયેલું વ્યાજ પણ ઉમેરવામાં આવશે.’ કોર્ટે નોંધ્યું હતું કે નીરવ મોદી પોતાની બચાવમાં એવો કોઈ મજબૂત પુરાવો રજૂ કરી શક્યો નથી. જેનાથી સાબિત થાય કે બેંક આ રકમ મેળવવા માટે હકદાર નથી.

હાલમાં ભારત પ્રત્યાર્પણ સામે લંડનની જેલમાં કાનૂની લડાઈ લડી રહેલા નીરવ મોદીએ દલીલ કરી હતી કે આ ગેરંટી લાગુ કરવા યોગ્ય નહોતી, પરંતુ કોર્ટે તેની તમામ દલીલો ફગાવી દીધી છે. આ વિવાદની વિગત એવી છે કે બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ ૨૦૧૨ માં દુબઈમાં આવેલી નીરવ મોદીની કંપની ‘ફાયરસ્ટાર ડાયમંડ FTE’ ને લોન આપી હતી. આ લોન પેટે નીરવ મોદીએ ૩ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ પર્સનલ ગેરંટી આપી હતી.

વર્ષ ૨૦૧૮ ની શરૂઆતમાં જ્યારે પંજાબ નેશનલ બેંક સાથે નીરવ મોદીએ આચરેલા હજારો કરોડના મહાકૌભાંડના સમાચાર સામે આવ્યા, ત્યારે બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની લોન પરત માંગવાનો નિર્ણય કર્યો હતો. માર્ચ અને એપ્રિલ ૨૦૧૮ માં કંપની અને નીરવ મોદીને નોટિસો મોકલવા છતાં કોઈ જવાબ ન મળતા આખરે બેંકે કાનૂની માર્ગ અપનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.