ગાંઠીયોલના તળાવ અને ગૌચર જમીન પર દબાણ કરાયાનો આક્ષેપ
ગ્રામજનો દ્વારા કથીત દબાણો દુર કરવા માંગ કરાઈ
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર)(પ્રતિનિધિ) , ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામના એક રહીશે તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી એવો આક્ષેપ કર્યો છે કે ગામના તળાવ અને ગૌચર જમીન પર છેલ્લા કેટલાક સમયથી કેટલાકે ગેરકાયદે દબાણ કરીને સરકારી જમીન હડપ કરવાના કારસો રચાયા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ જરૂર પડે સ્થળ તપાસ કરીને આ સરકારી જમીન પર કરાયેલા દબાણો દુર કરવાની માંગ કરી છે.
આ અંગે ગામના કુણાલસિંહ જેતાવતે તાલુકા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજુઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ગાંઠીયોલ ગામે આવેલ શામળા તળાવ જેને ગ્રામજનો સોમા તળાવ તરીકે ઓળખે છે
આ તળાવના સર્વે નંબર-૪૫૦ તેમજ પંચાયત હસ્તકની ગૌચર જમીનના સર્વે નંબર-૪૩૩ની જમીન પર કેટલાક ભૂમાફિયાઓ અને જમીન માફિયાઓએ ગેરકાયદેસર દબાણ કરી દીધુ છે એટલુ જ નહીં પણ દબાણકર્તાઓએ આ સોમા તળાવમાં માટી પુરાણની કરી દેવામા આવ્યું છે.
જેથી ચોમાસામાં આ તળાવમી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જવાની શકયતા છે જેના લીધે ગામના પશુપાલકો, ખેડૂતો અને ગ્રામજનોને ભવિષ્યમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. જેથી કુણાલસિંહ જેતાવતે તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરી કથિત ગેરકાયદેસર દબાણો દૂર કરવા તેમજ તળાવ અને ગૌચર જમીનને મૂળ સ્થિતિમાં લાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.
