પાલનપુરનું માનસરોવર ફરી વિવાદમાં: 6.50 કરોડના વિકાસકાર્ય છતાં ગંદા પાણીના પ્રવાહથી ઉઠ્યા સવાલો
હાલ તળાવની સ્થિતિ અગાઉ કરતાં વધુ ગંભીર હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે, છતાં જાહેર વિરોધ કે રાજકીય આંદોલન જોવા મળતું નથી.
(તસ્વીરઃ શહીદ કુરેશી, પાલનપુર) (પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુરના ઐતિહાસિક માનસરોવરના વિકાસ પાછળ અંદાજે સાડા છ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં તળાવમાં ગંદા પાણીના પ્રવાહના દૃશ્યો સામે આવતા સ્થાનિકોમાં અસંતોષ અને ચિંતા જોવા મળી રહી છે. તળાવના વિકાસકાર્યની ગુણવત્તા અને લાંબા ગાળાની ઉપયોગિતા અંગે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.
માનસરોવરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના આગેવાનો સહિત કેટલાક જાગૃત નાગરિકોએ તળાવમાં ગંદુ પાણી છોડવામાં આવતું હોવાના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. જોકે હાલ તળાવની સ્થિતિ અગાઉ કરતાં વધુ ગંભીર હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે, છતાં જાહેર વિરોધ કે રાજકીય આંદોલન જોવા મળતું નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચાયા છતાં તળાવમાં કોઈ નોંધપાત્ર વિકાસ દેખાતો નથી. હાલમાં પણ ગંદુ પાણી તળાવમાં પ્રવેશી રહ્યું હોવાનું લોકોનું કહેવું છે. સાથે જ આગામી ચોમાસામાં ભારે વરસાદ પડે તો વિકાસકાર્યને નુકસાન થવાની અને સરકારી નાણાંનો વ્યય થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર ગીરીશભાઈ ચૌધરીનો મોબાઈલ પર સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે માનસરોવરના વિકાસ માટે મંજૂર થયેલા તમામ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાલમાં કોઈ કામ બાકી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તળાવમાં જે પાણી જોવા મળી રહ્યું છે તે અંગે સંબંધિત વિભાગ દ્વારા તકનિકી રીતે નિરીક્ષણ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. વિકાસકાર્ય દરમિયાન મંજૂર થયેલી ડિઝાઇન અને આયોજન મુજબ કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જોકે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો વિકાસકાર્ય સંપૂર્ણ થયું હોય તો તળાવમાં ગંદા પાણીનો પ્રવાહ કેમ યથાવત્ છે તે અંગે તંત્રએ સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ તળાવની સ્થિતિમાં અપેક્ષિત સુધારો જોવા મળતો નથી.
માનસરોવર મુદ્દે હવે લોકોમાં એક જ ચર્ચા છે કે અગાઉ આ મુદ્દે સક્રિય રીતે વિરોધ કરનારા આગેવાનો અને જાગૃત નાગરિકો હાલ કેમ મૌન છે. બીજી તરફ તંત્ર વિકાસકાર્ય પૂર્ણ થયાનો દાવો કરી રહ્યું છે, ત્યારે તળાવની વાસ્તવિક સ્થિતિ અંગે જવાબદાર વિભાગો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
