નવી શિક્ષણ પદ્ધતિમાં ભાર વગરના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે: રીવાબા જાડેજા
આર્ડેકતા કોલેજના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આર ડી પટેલની મુલાકાત શિક્ષણ મંત્રીએ લીધી
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ખેડબ્રહ્માની નવીમેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી રમેશભાઈ પટેલની સંસ્થાની મુલાકાત લઈ તેમને સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે તેમણે જનસંઘના સ્થાપક અને મહાન રાષ્ટ્રચિંતક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, તેમણે અખંડ ભારતની જે પરિકલ્પના કરી હતી, તે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વધુ મજબૂત બની રહી છે.
શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સાચા અર્થમાં શિક્ષિત વ્યક્તિ તે જ કહેવાય, જેમાં સારું-નરસું પારખવાની સમજ, સંસ્કાર અને જીવનમૂલ્યોનું ભાન વિકસ્યું હોય. વિકસિત ભારતના નિર્માણ માટે માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ મૂલ્યનિષ્ઠ અને જવાબદાર નાગરિકોનું ઘડતર પણ એટલું જ જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં દરેક બાળકને પોતાની પ્રતિભા અને કૌશલ્ય મુજબ આગળ વધવાની સમાન તકો મળે તે દિશામાં સરકાર સતત કાર્યરત છે. પોષણ, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતોની ચિંતા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થઈ શકે.
શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિમાં ભાર વગરના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. દરેક બાળકમાં રહેલી વિશિષ્ટ પ્રતિભા અને અલગ-અલગ કૌશલ્યોને ઓળખીને તેને અનુરૂપ શિક્ષણ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષાકેન્દ્રિત નહીં, પરંતુ જીવનમૂલ્યો, સર્જનાત્મકતા અને વ્યવહારુ કૌશલ્યથી સમૃદ્ધ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે તેમણે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી રમેશભાઈ પટેલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા નવતર પ્રયોગો અને સમાજપ્રત્યેના યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે આવા શિક્ષકો અને સંસ્થાઓ નવી પેઢીના સર્વાંગી વિકાસ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલ, જિલ્લા શિક્ષણ અધિકારી સુશ્રી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેયુર ઉપાધ્યાય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
