Western Times News

Gujarati News

ભારત સાથેના સંવેદનશીલ મુદ્દાને ઉકેલવા ચીન તૈયાર : વાંગ યી

ચીનના વિદેશ મંત્રી પીએમ મોદીને મળ્યાઃ અનેક મુદા પર ચર્ચા કરી

વર્ષ ૨૦૨૦ માં ગલવાન ખીણની હિંસક અથડામણ અને ત્યારબાદ ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલેલા સૈન્ય ગતિરોધ પછી બંને દેશોના સંબંધોમાં મોટો ઘટાડો આવ્યો હતો

 

બેઇજિંગ, બંને દેશોના નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સર્વસંમતિને લાગુ કરવા અને સંવેદનશીલ મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે ચીન ભારત સાથે મળીને કામ કરવા તૈયાર છે તેમ ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું છે. સરકારી સમાચાર સંસ્થા સિન્હુઆના જણાવ્યા અનુસાર, બ્રિક્સ દેશોના એનએસએની કોન્ફરન્સમાં ભાગ લેવા નવી દિલ્હી આવેલા વાંગ યી એ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

સમાચાર સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે, વિદેશ મંત્રીએ જણાવ્યું કે બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી સર્વસંમતિનો અમલ કરવા ઉપરાંત, ચીન ભારત સાથે સતત વિશ્વાસ વધારવા, આશંકાઓ દૂર કરવા અને સંવેદનશીલ મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ચીન પરસ્પર ફાયદાકારક સહયોગને વધુ ગાઢ બનાવવા, ભારત-ચીન સંબંધોની હકારાત્મક ગતિને જાળવી રાખવા અને પોતપોતાની આધુનિકીકરણની પ્રક્રિયાને સંયુક્ત રીતે આગળ વધારવા ઈચ્છે છે.

વાંગે એમ પણ જણાવ્યું હતું કે, આ વર્ષે બ્રિક્સના અધ્યક્ષ તરીકેની પોતાની જવાબદારીઓ નિભાવવામાં ચીન ભારતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને આ ૧૦ સભ્યોના જૂથની મજબૂત પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હી સાથે મળીને કામ કરશે. તેમણે ઉમેર્યું કે ચીન બ્રિક્સ સહયોગમાં નક્કર પ્રગતિને પ્રોત્સાહન આપવા ભારત સાથે કામ કરશે.વાંગે જણાવ્યું હતું કે, બે સૌથી મોટા વિકાસશીલ દેશો અને ગ્લોબલ સાઉથના મહત્વના સભ્યો તરીકે, ચીન અને ભારતે ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે એકતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં એક અનુકરણીય (ઉદાહરણરૂપ) ભૂમિકા ભજવવી જોઈએ.

વર્ષ ૨૦૨૦ માં ગલવાન ખીણની હિંસક અથડામણ અને ત્યારબાદ ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલેલા સૈન્ય ગતિરોધ પછી બંને દેશોના સંબંધોમાં મોટો ઘટાડો આવ્યો હતો. જો કે, તેને ફરીથી સુધારવા માટે ભારત અને ચીને છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. નવી દિલ્હીમાં બ્રિક્સ એનએસએની બેઠકમાં વાંગની હાજરી વિશે વિગતવાર માહિતી આપતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને બુધવારે અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બ્રિક્સ દેશો માટે પરંપરાગત અને બિન-પરંપરાગત સુરક્ષા જોખમો સહિતના સુરક્ષા બાબતો પર સંવાદ અને સહયોગને વધુ ગાઢ બનાવવાનો આ યોગ્ય સમય છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.