Western Times News

Gujarati News

SC એ મેડિકલ કોલેજોની ઊંચી ફી વિરુદ્ધની અરજી ફગાવી

‘દેશને ડૉક્ટરોની જરૂર છે’

સ્વનિર્ભર સંસ્થાઓએ સરકાર સંચાલિત સંસ્થાઓ જેટલી જ ફી વસૂલવી જોઈએ એવું કહી શકાય નહીં : SC

નવી દિલ્હી, રાજસ્થાનની ખાનગી મેડિકલ કોલેજોમાં ફી અતિશય ઊંચી હોવા અંગેની એક અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે આ દેશને ડૉક્ટરોની જરૂરિયાત છે. સ્વનિર્ભર સંસ્થાઓએ સરકાર સંચાલિત સંસ્થાઓ જેટલી જ ફી વસૂલવી જોઈએ એવું કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ પાસે શિષ્યવૃત્તિ મેળવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ન્યાયમૂર્તિ બી વી નાગરત્ના અને જોયમાલ્યા બાગચીની બનેલી ખંડપીઠે રાજસ્થાન હાઇકોર્ટના આદેશને પડકારી અરજીની સુનાવણી કરી રહી હતી.

હાઇકોર્ટે એક મેડિકલ ઉમેદવારની અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં આરોપ મૂકાયો હતો કે રાજસ્થાનની ખાનગી મેડિકલ કોલેજોની ટ્યુશન ફી વાર્ષિક રૂ.૧૮.૯૦ લાખથી રૂ.૨૫ લાખ સુધીની છે, જે આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબ્યુએસ)ની રૂ.૮ લાખની વાર્ષિક આવક મર્યાદા સાથે સંપૂર્ણપણે અસંગત છે. સુનાવણી દરમિયાન સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સ્વનિર્ભર સંસ્થાઓએ સરકાર સંચાલિત સંસ્થાઓ જેટલી જ ફી વસૂલવી જોઈએ એવું કહી શકાય નહીં.

કોઈ એક વ્યક્તિ એવું કહી શકતી નથી કે ખાનગી સંસ્થાઓમાં ફી ખૂબ જ વધારે છે અને તેને સરકારી સંસ્થાઓની ફી સમકક્ષ બનાવી દેવી જોઈએ. વિદ્યાર્થીઓ પાસે શિષ્યવૃત્તિ મેળવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ દેશને ડૉક્ટરોની જરૂર છે.ખંડપીઠે જણાવ્યું હતું કે અમને હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનું કોઇ કારણ લાગતું નથી. સ્પેશ્યલ લીવ પિટિશન ફગાવી દેવામાં આવે છે. જો કોઈ કાનૂની પ્રશ્ન હોય તો તે ખુલ્લો રાખવામાં આવે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.