પીપળોઇ ગ્રામ પંચાયત ખાતે 6000/- ની લાંચ લેતા તલાટી અને ઓપરેટર ઝડપાયા
ખંભાતના પિપળોઇ ગામે પેઢીનામું બનાવવા માટે ૧૦ હજારની લાંચની માંગ કરી હતી
આણંદ એસીબીના છટકામાં તલાટી વતી ઓપરેટરે લાંચની રકમ સ્વીકારી હતી
આણંદ, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઇ ગ્રામ પંચાયત ખાતે આણંદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ટ્રેપ ગોઠવીને તલાટી અને VCE ઓપરેટરને રૂ.૬ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જેથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.ખંભાત તાલુકાના પિપળોઇ ગામે રહેતા એક ખેડૂતની વડીલોપાર્જિત જૂની શરતની ખેતીની જમીનમાં વારસદારોના નામ દાખલ કરવા માટે પેઢીનામાની જરૂરિયાત હતી.
આ કામ માટે પીપળોઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહ દ્વારા વીસીઈ શૈલેષ રામભાઈ મકવાણા મારફતે ખેડૂત પાસે લાંચની માંગણી કરી હતી, તલાટીએ રૂપિયા ૧૦ હજારની લાંચ માંગી હતી. જોકે, બાદમાં થયેલી રકઝક દરમિયાન રૂપિયા ૮ હજારની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી ખેડૂત લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે આણંદ એસીબીના ટોલ ળી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરીને આણંદ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે આજે ૨૪ જૂન ૨૦૨૬ના રોજ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ટ્રેપ દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ VCE ઓપરેટર શૈલેષ મકવાણાએ ફરિયાદી પાસેથી રૂપિયા ૮ હજાર સ્વીકાર્યા હતા. જોકે એસીબીની તપાસમાં સામે આવ્યું હતું કે, તલાટી કૈવન શાહના કહેવાથી VCE ઓપરેટર શૈલેષ મકવાણાએ સ્વીકારેલી રકમમાંથી રૂપિયા ૨ હજાર ફરિયાદીને પરત આપ્યા હતા અને બાકીના રૂપિયા ૬ હજાર લાંચ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને લાંચની રકમ સ્વીકારી હોવાનું સામે આવ્યું છે.
લાંચના રૂપિયા ૬ હજાર સાથે બંને આરોપીઓને સ્થળ પરથી રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપી તલાટી કમ મંત્રીએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાનું એસીબી દ્વારા જણાવાયું છે. આ સમગ્ર કાર્યવાહી આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જ્યારે સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક એમ.એચ.પુવાર અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
ખેતીની જમીનના રેકર્ડમાં નામ દાખલ કરવા માટે પેઢીનામું બનાવવાનું કામ કરી આપવા માટે તલાટી કમ મંત્રી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે ફરી એકવાર સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર સામે એસીબીની કડક કામગીરીને ઉજાગર કરે છે. હાલ એસીબી દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.SS1
