Western Times News

Gujarati News

ભારતમાં આવશે પ્લાસ્ટિકની નોટો? RBIએ શરૂ કરી તૈયારીઓ

AI Image

  • આરબીઆઈની પ્રિન્ટિંગ શાખાએ વૈશ્વિક સ્તરે ટેન્ડર (EoI) બહાર પાડ્યું.

  • સપ્લાયર્સ માટે ચીન અને પાકિસ્તાનથી કાચો માલ લેવા પર પ્રતિબંધ.

  • કાગળની નોટો કરતાં પોલિમર નોટો લાંબું આયુષ્ય ધરાવે છે.

નવી દિલ્હી, 18 જુલાઈ ભારતે પોલિમર (પ્લાસ્ટિક) બેંકનોટ ચલણમાં લાવવા તરફ પોતાનું પ્રથમ ઔપચારિક પગલું ભર્યું છે. વિવિધ અહેવાલો અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની કરન્સી પ્રિન્ટિંગ શાખાએ સુરક્ષા સુવિધાઓ ધરાવતી પોલિમર સબસ્ટ્રેટ શીટ્સના સપ્લાય માટે વૈશ્વિક સ્તરે ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ (EoIs) એટલે કે રસ ધરાવતી કંપનીઓ પાસેથી અરજીઓ મંત્રિત કરી છે.

ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (BRBNMPL) એ બેંકનોટ પ્રિન્ટિંગ માટે ઓપેસિફાઇડ પોલિમર સબસ્ટ્રેટ શીટ્સના ઉત્પાદન માટે લાયક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદકોને 18 ઓગસ્ટ સુધીમાં બોલી (બિડ) સબમિટ કરવા આમંત્રણ આપ્યું છે.

જો કે, અહેવાલોમાં જણાવાયું છે કે ટેન્ડરમાં પોલિમર નોટો માટે કયા મૂલ્યની (ડેનોમિનેશન) નોટો પ્રસ્તાવિત છે અથવા તે ક્યારે બહાર પાડવામાં આવશે તેની કોઈ સમયસીમા નક્કી કરવામાં આવી નથી.

જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે, તો તે ભારત માટે એક મોટો બદલાવ સાબિત થશે, જ્યાં લગભગ એક સદીથી ખાસ પ્રકારના કાગળ પર ચલણી નોટો છાપવામાં આવે છે. મજબૂત પ્લાસ્ટિક ફિલ્મોમાંથી બનેલી પોલિમર નોટો સામાન્ય રીતે ફાટવા કે ઘસાવા સામે વધુ પ્રતિરોધક હોય છે અને પરંપરાગત કાગળની ચલણી નોટો કરતાં તેમનું આયુષ્ય લાંબું હોય છે.

અહેવાલો દાવો કરે છે કે ટેન્ડરમાં સંભવિત સપ્લાયર્સ માટે રાષ્ટ્રીય સુરક્ષાની કડક શરતો રાખવામાં આવી છે. આ ઉપરાંત, બોલી લગાવનારાઓએ સરકાર પાસેથી સુરક્ષા મંજૂરી મેળવવી પડશે. તેમજ ચીન કે પાકિસ્તાનમાં ચાલતી તેમની કોઈપણ કામગીરીને ભારતના કોન્ટ્રાક્ટથી સંપૂર્ણપણે અલગ રાખવી પડશે. તેઓ ભારતની બેંકનોટ માટે કાચો માલ આ બે દેશોમાંથી મેળવી શકશે નહીં અને ભારત-વિશિષ્ટ સબસ્ટ્રેટ અન્ય કોઈ ત્રીજા દેશને ન સપ્લાય કરવાની બાંયધરી પણ આપવી પડશે.

આ અગાઉ જૂન મહિનામાં ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પોલિમર અથવા પ્લાસ્ટિકની ચલણી નોટો શરૂ કરવાના પ્રસ્તાવની તપાસ કરી રહી છે, જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

તેમણે કહ્યું હતું કે, “અમે તેના ફાયદા અને ગેરફાયદાની તપાસ કરી રહ્યા છીએ અને શું તેનો અમલ કરવો યોગ્ય રહેશે કે નહીં તે વિચારી રહ્યા છીએ. આ પ્રક્રિયા હજુ પ્રાથમિક તબક્કે છે.” મલ્હોત્રાએ પુનરોચ્ચાર કર્યો હતો કે આ પ્રસ્તાવ હજી પણ વિચારણા હેઠળ છે અને ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પોલિમર નોટોનો સવાલ છે, પ્રસ્તાવ વિચારણા હેઠળ છે અને જેવો આ અંગે કોઈ નિર્ણય લેવાશે, અમે તમને જાણ કરીશું.

Polymer banknotes India, RBI plastic currency notes Gujarati, BRBNMPL tender polymer sheets.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.