Western Times News

Gujarati News

રાયપુરમાં એક જ ઘર પરિવારના ૫ાંચ લોકોના મૃતદેહ મળ્યા

પ્રતિકાત્મક

રહસ્યમય ચિઠ્ઠીએ વધાર્યું સસ્પેન્સ

પરિવાર છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો ઃ સ્થાનિક લોકો

રાયપુર, છત્તીસગઢની રાજધાની રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સંજય નગરમાંથી શુક્રવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જ મકાનમાંથી એક જ પરિવારના ૫ સભ્યોના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ટિકરાપારા પોલીસ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાનું લાગી રહ્યું છે.

પોલીસ અને એફએસએલની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે અંદરનું દ્રશ્ય હબકાવી દે તેવું હતું. પરિવારના ચાર સભ્યો કોમા જેવી ગંભીર સ્થિતિમાં પડ્યા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું, જ્યારે પરિવારનો મુખ્ય સભ્ય સાજિદ ગંભીર હાલતમાં તરફડી રહ્યો હતો. જોકે, તમામ ૫ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી કેટલીક ચિઠ્ઠીઓ મળી આવી છે, જેમાં કોઈ યુવતીને બોલાવવાનો અને એક સંબંધીના ફોન નંબરનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરાયો છે. આ ચિઠ્ઠીઓએ સમગ્ર મામલામાં રહસ્ય વધારી દીધું છે.

પોલીસ આ ઘટના પાછળ કોઈ પારિવારિક વિવાદ, આર્થિક સંકટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે દિશામાં આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો. એટલું જ નહીં, કેટલાક લેણદારો અવારનવાર તેમના ઘરે આવીને પૈસાની ઉઘરાણી માટે માનસિક રીતે પરેશાન પણ કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી તમામ પુરાવાઓ એકત્ર કરીને તપાસ માટે મોકલી આપ્યા છે અને સત્તાવાર રીતે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.