Western Times News

Gujarati News

મહેસાણામાં હડકાયા કૂતરાનો આતંક, ૩૯ જણાને બચકાં ભર્યાં

પ્રતિકાત્મક

સિવિલમાં વેક્સિન માટે લાઇન લાગી

બપોરે ૧થી ૨ વાગ્યા દરમિયાન હડકાયું કૂતરું કરડ્યું હોય તેવા ૨૮ કેસ ટ્રોમા સેન્ટરમાં આવ્યા હતા

મહેસાણા, મહેસાણા શહેરના ગોપીનાળા તેમજ આસપાસના વિસ્તારમાં બુધવારે બપોર બાદ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો, જ્યાંથી પસાર થયું ત્યાં લોકોને બચકાં ભરતાં કુલ ૩૯ જણાએ સિવિલમાં એન્ટી રેબિઝ વેક્સિન સહિતની સારવાર લેવા ભીડ જમાવી હતી.ગોપીનાળાથી રાધનપુર ચોકડી, લાયન્સ હોસ્પિટલ રોડ, ગુરુદ્વારા પાછળ રેલવે છાપરાં સહિતના વિસ્તારમાં બુધવારે બપોરથી જ હડકાયા કૂતરાનો આતંક જોવા મળ્યો હતો.

એક બાદ એક અનેક લોકોને આ હડકાયું કૂતરું કરડતાં ભોગ બનેલા લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. બપોરે ૧ વાગ્યાથી ૨ વાગ્યા સુધીના એક કલાકમાં જ ડોગ બાઈટનો ભોગ બનેલા કુલ ૨૮ જણા સિવિલમાં સારવાર માટે પહોંચતાં ટ્રોમા સેન્ટરમાં ભીડ જામી હતી. સાંજ સુધીમાં સિવિલમાં જ કુલ ૩૯ જણાએ ડૉગ બાઈટ સબંધિત સારવાર લીધી હતી.સિવિલ સર્જને જણાવ્યું હતું કે, બપોરે ૧થી ૨ વાગ્યા દરમિયાન હડકાયું કૂતરું કરડ્યું હોય તેવા ૨૮ કેસ ટ્રોમા સેન્ટરમાં આવ્યા હતા. જે તમામને એન્ટિ રેબિઝ વેક્સિન અપાઈ હતી, મોટાભાગના લોકોને કૂતરાએ એવાં બચકાં ભર્યાં હતાં કે થર્ડ કેટેગરીના ઊંડા ઘા હતા, જેમને ટાંકા લેવા પડ્યા હતા. તેમજ ઘા વાળી જગ્યામાં પણ ઈમ્યુનોગ્લોબ્યુમિન ઈન્જેક્શન આપવાં પડ્યાં હતાં.

મહેસાણા કોર્પાેરેશનને હડકાયા કૂતરાને પકડી લેવા અંગે જાણ કરતાં તેમણે સંબંધિત કામગીરી કરી હતી. સિવિલના આસિસ્ટન્ટ વહીવટી અધિકારી વિશાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટ્રોમા સેન્ટરમાંથી આવેલા સત્તાવાર આંકડા મુજબ સાંજ સુધીમાં ડૉગ બાઈટના કુલ ૩૯ કેસ આવ્યા હતા.મહેસાણા કોર્પાેરેશનના વેટરનરી ડૉક્ટરે જણાવ્યું હતું કે, બપોર બાદ મેસેજ મળ્યો એટલે કૂતરાનું લોકેશન જાણવા ટીમ સાથે સિવિલમાં ગયા હતા.

જ્યાંથી કૂતરું કરડ્યું હોય તેમના નંબર લઈને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, સૌ પ્રથમ સ્ટેશન રોડ પર આવેલી મનપાની ગેરેજમાં પાછળનો વરંડો કૂદીને આવેલું હડકાયું કૂતરું એક કર્મચારીને કરડ્યું હતું, ત્યાંથી દોડીને ગોપીનાળા નીચે, ગોપીનાળા બહાર, ડેરી રોડ પર બાલાજી હોસ્પિટલ નીચે, રાધનપુર ચોકડી પાસે અને છેલ્લે ગુરુદ્વારા પાસે કેટલાક લોકોને કરડ્યું હતું, અમે ગુરુદ્વારા ગયા ત્યારે તેની પાછળ રેલવેની જગ્યામાં છપરાં છે ત્યાં ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યાં પૂછપરછ કરતાં એક પશુપાલકે કહ્યું કે, કૂરતું કાલનું હડકાયું થયેલું છે, પશુઓને બચાવવા આખી રાત તેઓ જાગ્યા હતા. છેલ્લે તે અહીં ઝાડીઓમાં ઘુસી ગયું હતું. અમે શોધખોળ કરી પણ મળ્યું નથી એટલે એક ટીમ તે વિસ્તારમાં રાખી છે. દરેકને નંબર આપ્યો છે અને હડકાયું કૂતરું ધ્યાને આવે તો અમને જાણ કરે તો કાર્યવાહી કરી શકાય.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.