Western Times News

Gujarati News

અમરેલીમાં દાદાની નજર સામે ૫ વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો

ખાંભાના ચતુરી ગામે અમરેલીમાં દાદાની નજર સામે ૫ વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો

છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ

અમરેલી, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક સિંહણે ૫ વર્ષના બાળકને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવી લીધો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.મળતી માહિતી અનુસાર, ચતુરી ગામે રહેતો ૫ વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો.

આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યાે હતો. દાદા કાંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વહારે દોડ્યા હતા. મૃતકના મામા દાનુ વઘોસીના જણાવ્યાનુસાર, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાનોએ હિંમત દાખવી જંગલમાં લાકડીઓ વડે સિંહણ પર હુમલો કર્યાે હતો અને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. પરંતુ કમનસીબે ગામથી આશરે એક કિલોમીટર દૂરથી જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી માસૂમ બાળકનો મૃતદેહ મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.