Western Times News

Gujarati News

શિવરાજ સિંહના પુત્રના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ માફી માંગી

  • રાહુલ ગાંધી માનહાનિ કેસ: MP હાઈકોર્ટમાં રાહુલ ગાંધીએ લેખિતમાં ખેદ વ્યક્ત કર્યો

  • માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત? જબલપુર હાઈકોર્ટમાં કોંગ્રેસ નેતાએ વ્યક્ત કરી દિલગીરી

(એજન્સી)ભોપાલ, લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય સિંહ ચૌહાણ સાથે સંબંધિત માનહાનિના એક કેસમાં બુધવારે જબલપુર હાઈકોર્ટમાં લેખિતમાં પોતાના નિવેદન પર દિલગીરી (ખેદ) વ્યક્ત કરી. હાઈકોર્ટના ન્યાયાધીશ પ્રમોદ કુમાર અગ્રવાલની સિંગલ બેન્ચે રાહુલ ગાંધીની ખેદ વ્યક્ત કરતી અરજી પર ગુરુવારે સુનાવણી નક્કી કરી હતી.

આ મામલો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય સિંહ ચૌહાણ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસ સાથે સંબંધિત છે. બુધવારે થયેલી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર દિલગીરી વ્યક્ત કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમનું નિવેદન ફરિયાદી (કાર્તિકેય)ને લઈને ન હતું. ફરિયાદી તરફથી વકીલ સંકલ્પ કોચરે દલીલો કરી હતી.

કાર્તિકેય સિંહ ચૌહાણે ભોપાલની એમપી-એમએલએ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં ઝાબુઆમાં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ પનામા પેપર્સ લીકના મામલાનો ઉલ્લેખ કરીને કથિત રીતે તેમનું નામ લીધું હતું, જેનાથી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હતી.

કોર્ટે આ કેસની સુનાવણી કરતાં રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યા હતા. જે બાદ કોંગ્રેસ નેતાએ માનહાનિના કેસ અને કોર્ટના સમન્સ સામે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં હાઈકોર્ટે સુનાવણી કરતા અરજદારને એમપી-એમએલએ સમક્ષ રેકોર્ડ રજૂ કરવાનો નિર્દેશ અપાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.