Western Times News

Gujarati News

અમદાવાદમાં યોજાયેલા ખાસ મહિલા ભરતી મેળામાં 353 મહિલા ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી

રોજગાર વિભાગ, અમદાવાદ અને શ્રી હરદાસબાપુ પટેલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન- બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ અને ઠક્કરબાપાનગરના ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયાની પ્રેરક ઉપસ્થિતિ-15 જેટલી પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓએ ભાગ લીધો
અમદાવાદ, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તથા શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખાસ ‘મહિલા રોજગાર ભરતી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ મહિલા ઉમેદવારોને સ્થાનિક સ્તરે જ રોજગારી પ્રાપ્ત થાય તેવો હતો.
આ ખાસ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની 15 જેટલી જાણીતી અને પ્રતિષ્ઠિત કંપનીઓ ઉપસ્થિત રહી હતી. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારોએ આ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા બહેનોની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય (સ્કિલ્સ)ને ધ્યાનમાં રાખીને રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જે અંતે કુલ 353 જેટલી મહિલા ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
આ પ્રસંગે બાપુનગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ તથા ઠક્કરબાપાનગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પસંદગી પામેલી મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી અને જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ અને રોજગાર સર્જન માટે સરકાર તથા સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહેલા આવા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે.
કાર્યક્રમ દરમિયાન અમદાવાદના મદદનીશ નિયામક (રોજગાર) દ્વારા રોજગાર કચેરી દ્વારા આપવામાં આવતી વિવિધ સરકારી સવાઓ અને યોજનાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમણે ઉમેદવારોને જણાવ્યું હતું કે, રોજગારવાંછુ યુવક-યુવતીઓને વધુમાં વધુ તકો મળે અને તેઓ સ્વનિર્ભર બને તે માટે કચેરી દ્વારા આગામી સમયમાં પણ આવા ભરતી મેળાઓનું આયોજન સતત ચાલુ રાખવામાં આવશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.