ટ્રમ્પ સરકારની આકરી ઇમિગ્રેશન નીતિ પુનઃજીવિત કરવા સુપ્રીમની લીલી ઝંડી
સ્ટોર, હોટેલ્સમાં બંદૂક લઈ જવા મંજૂરી લેવાનો કાયદો સુપ્રીમે રદ કર્યાે
અમેરિકા-મેક્સિકો સરહદે શરણાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાની નીતિ ફરી લાગુ થશે
વોશિંગ્ટન, વોશિંગ્ટન દેશમાંથી શરણાર્થીઓ અને ગેરકાયદે વસાહતીઓની સંખ્યા ઘટાડવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોને સમર્થન આપતાં એક ચુકાદામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે, અમેરિકા-મેક્સિકોની સરહદ પરથી શરણાર્થીઓને પાછા ધકેલવા માટે ઉપયોગમાં લેવાતી ઈમિગ્રેશન પોલિસીને પુનઃજીવિત કરવાનો માર્ગ મોકળો કર્યાે છે. અગાઉની ઓબામા સરકાર અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, સરહદ પર દરરોજ આશ્રય માટે અરજી કરનારા લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી હતી.
નીચલી અદાલતે આ પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી, જેને સુપ્રીમ કોર્ટે હવે રદ કરી દીધી છે. માનવ અધિકાર કાર્યકર્તાઓના જણાવ્યાં અનુસાર, આ નીતિને કારણે મોટું માનવીય સંકટ ઊભું થયું હતું. જોકે, ટ્રમ્પ સરકારના મતે સરહદ પર આશ્રય માંગનારાઓની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે આ પગલું જરૂરી હતું. હાલમાં આ નીતિ અમલમાં નથી, જોકે સત્તાવાળાઓએ આશ્રય મેળવવા ઈચ્છતાં લોકો પર અન્ય ઘણા નિયંત્રણો લાદેલા છે.
સરકારના જણાવ્યાં અનુસાર, શરણાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાના પગલાંનો ઉપયોગ બંને પક્ષોના પ્રમુખો દ્વારા કરવામાં આવ્યો છે અને તે યથાવત રહેવો જોઈએ. સરકારી વકીલોનું કહેવું છે કે સરહદ પરથી પાછા મોકલાયેલા લોકો પછીથી પાછા આવી શકે છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં ગન કલ્ચરને પ્રોત્સાહન આપતાં એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્ટોર અને હોટેલ્સ જેવી ખાનગી જગ્યાઓમાં સાથે બંદૂક લઈ જવા માટે મંજૂરી લેવાના હવાઈ લો નામના કાયદાને રદ કર્યાે છે. બંધારણના બીજા સુધારા હેઠળ હથિયાર રાખવાના અધિકારોનું સમર્થન કરતો કોર્ટનો આ તાજેતરનો મોટો ચુકાદો છે.
સુપ્રીમ કોર્ટે ૬-૩ની બહુમતિથી આપેલા આ ચુકાદાને પગલે હવે લોકો શોપિંગ મોલ્સ અને ગેસ સ્ટેશનો જેવી ખાનગી માલિકીની જગ્યાઓ પર પણ પોતાની સાથે હથિયાર લઈ જઈ શકશે, સિવાય કે તે સંસ્થા કે દુકાનના માલિકે ત્યાં હથિયારો લાવવા પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો હોય. SS1
