મતદાર યાદી સુધારા માટે પાસપોર્ટ માન્ય દસ્તાવેજ : ચૂંટણી પંચ
વિદેશ મંત્રાલયે કરેલી પાસપોર્ટ અંગે સ્પષ્ટતા બાદ
પાસપોર્ટ નાગરિકતાનો પુરાવા ન હોવાના વિવાદ વચ્ચે ચૂંટણીપંચે કરેલી સ્પષ્ટતાથી મામલો ગૂંચવાયો
નવી દિલ્હી, પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો ન હોવાના વિદેશ મંત્રાલયના નિવેદનથી ઊભા થયેલા વિવાદ વચ્ચે ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓએ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે મતદાર યાદીની વિશેષ સઘન સુધારા પ્રક્રિયા દરમિયાન મતદારોની પાત્રતા ચકાસવા માટે પાસપોર્ટ હજુ પણ માન્ય દસ્તાવેજોમાં સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય પાસપોર્ટ મતદાર યાદીમાં નામ નોંધાવવા અથવા પોતાનું નામ જાળવી રાખવા માટે સ્વીકારવામાં આવતા ૧૨ આધારભૂત દસ્તાવેજો પૈકીનો એક છે.
અગાઉ વિદેશ મંત્રાલયે પાસપોર્ટ ધારા, ૧૯૬૭નો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી, પરંતુ તે ખાસ કરીને વિદેશી મુસાફરી માટેનો દસ્તાવેજ છે. સરકારી સૂત્રોએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાસપોર્ટને ક્યારેય નાગરિકતાના નિર્ણાયક પુરાવા તરીકે માનવામાં આવ્યો નથી અને છેલ્લા ૧૨ વર્ષમાં મોદી સરકાર દ્વારા આ બાબતે કોઈ નવી નીતિ અમલમાં મૂકવામાં આવી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બિહારમાં SIR કવાયત, આસામમાં થયેલી વિશેષ મતદાર યાદી સુધારા અને અન્ય તબક્કાઓમાં પણ પાસપોર્ટ સતત ૧૨ માન્ય દસ્તાવેજોની યાદીમાં સામેલ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાસપોર્ટ ઓળખ સ્થાપિત કરવા માટેના દસ્તાવેજોમાં હતો અને હજુ પણ છે. તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાર નોંધણી અધિકારી રજૂ કરાયેલા દસ્તાવેજોના આધારે નક્કી કરે છે કે વ્યક્તિ મતદાર યાદીમાં નામ નોંધાવવા અથવા જાળવી રાખવા માટે પાત્ર છે કે નહીં.SS1
